![]()
વડોદરા, તા.8 શહેરના વારસિયા વિસ્તારની સોસાયટીમાં રહેતા માતા અને પુત્રી ધૂળેટી રમવા માટે સંબંધીના ઘેર ગયા અને સાંજે માત્ર સાડા ત્રણ કલાકમાં ત્રાટકેલ ચોરે ઘરમાંથી દાગીના તેમજ રોકડની સાફસૂફી કરી હતી. પુત્રીની સ્કૂલ ફ્રેન્ડે જ ચોરી કરી હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વારસિયા વિસ્તારમાં આવેલી મીરા સોસાયટીમાં રહેતા પાયલ સંતોષ વાસ્તેકરે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘરકામ કરું છું તેમજ મારા પતિ સંગમ ચાર રસ્તા પાસે ચુલા ઢોસા નામે હોટલ ચલાવે છે. તા.૪થીએ ધૂળેટી હોવાથી પતિ હોટલ પર હતા તેમજ હું અને મારી પુત્રી હિયા બંને સાંજે છ વાગે ધૂળેટી રમવા પ્રતાપનગર ખાતે મારા પિયરમાં ગયા હતાં.
રાત્રે સાડા નવ વાગે ઘેર પરત ફરીને રસોડામાં પાણી પીવા ગઇ ત્યારે ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો તેમજ મચ્છરદાનીની જાળી તૂટેલી જણાઇ હતી. ઘરની વચ્ચેની રૃમમાં મૂકેલી તિજોરીનું લોકર તૂટેલું હતું અને તેમાંથી લગ્ન વખતે કરિયાવરમાં આવેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃા.૭.૩૩ લાખની મત્તાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. મારી પુત્રીની સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી તેની ફ્રેન્ડ મારા ઘેર આવતી હતી અને તેને ઘરની રજેરજની માહિતી હોવાથી તેના પર શંકા છે. પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.










