![]()
રાજકોટની BAPS સંસ્થા વિરૂધ્ધ કલેક્ટરનો હુકમ : બાંધકામ પણ અનધિકૃત જણાતાં તે અંગે કાર્યવાહી કરવા મ્યુ. કમિશનર, નેશનલ હાઈવે ઓથોરિટીને હુકમ રવાના
રાજકોટ, : રાજકોટના ગોંડલરોડ પર વાવડી વિસ્તારમાં 5 વર્ષથી ધમધમતા પ્રેમવતી રેસ્ટોરન્ટ અને આસપાસમાં ઓફિસ વગેરેના અનધિકૃત બાંધકામ અંગે મામલતદારની સ્થળ તપાસ બાદ બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાના શાસ્ત્રી શેરી નારાયણ સ્વરૂપદાસજી વિરૂધ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે પૂરાવાઓ લક્ષ્યમાં લઈને શરતભંગ સાબિત હોવાનું પૂરવાર થતા બી.એ.પી.એસ.સંસ્થાને રૂ।.૧૩.૧૩ લાખનો દંડ ભરવા તેમજ આ સ્થળે અનધિકૃત બાંધકામ અંગે મહાપાલિકા તથા નેશનલ હાઈવે ઓથોરિટીને આગળની કાર્યવાહી કરવા આજે હુકમ જારી કર્યો છે.
વિગત એવી છે કે વાવડી સર્વે નં. 38-1 પૈકીની કૂલ 19 એકર 21 ગુંઠા જમીનને જિ.પં.માં તા.25-5-2004ના સ્વામિનારાયણની ઉપરોક્ત સંસ્થાએ ઉદ્યોગના હેતુ માટે બીનખેતી કરાવી હતી. પરંતુ, ત્યાં કોઈ ઉદ્યોગ સ્થાપવાને બદલે પ્રેમવતી રેસ્ટોરન્ટનો વ્યવસાય તેમજ ઓફિસ, સ્વીમીંગ પૂલ વગેરે બાંધકામ કરીને વાણિજ્ય હેતુ માટે ઉપયોગ થવા લાગ્યો હતો જે અંગે સંસ્થા દ્વારા કોઈ બાંધકામ પરવાનગી પણ મેળવાઈ ન્હોતી.
આ અંગે રાજકોટના સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલ દ્વારા કલેક્ટરની કોર્ટમાં હાજર રહીને જાહેરહિતમાં રજૂઆત કરી હતી. આ જમીનનું સર્કલ ઓફિસર દ્વારા પંચરોજકામ કરાયું જેમાં 10099 ચો.મી.જમીનમાં 5 વર્ષથી પ્રેમવતી રેસ્ટોરન્ટ સહિતનું કોમર્શીયલ બાંધકામ કરાયાનું જણાયું હતુ. આવો ઉપયોગ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજુરી મેળવાઈ નથી. જે અન્વયે જિલ્લા કલેક્ટરે આજે હુકમ જારી કરીને બીએપીએસ પાસેથી (1) શરતભંગ બદલ 5 વર્ષના રૂ।. 13.13 લાખની રકમ વસુલ કરવા ઉપરાંત (2) 5 વર્ષ માટે બીનખેતી આકાર વગેરે વસુલવા (3) હેતુફેરની પરવાનગી નહીં હોવાથી વાણિજ્ય હેતુ ચાલુ રાખવા 3 માસમાં પરવાનગી મેળવવા (4) જમીનમાં અનધિકૃત બાંધકામ અંગે બી.પી.એમ.સી.એક્ટની ક. 260 હેઠળ મહાપાલિકાને કાર્યવાહી કરવા (5) ફાયર NOC વગર રેસ્ટોરન્ટ ચલાવવા બાબતે સંબંધિતને તેમજ (6) નેશનલ હાઈવેના માર્જીનમાં દબાણ બાબતમાં સંબંધિત કચેરીએ કાર્યવાહી કરવાની રહેશે.










