![]()
વડોદરાઃ શહેરના આજવા રોડ પર આવેલી પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો.૭ના વિદ્યાર્થીએ પોતાની સાથે જ ભણતા વિદ્યાર્થી પર ચહેરા પર નખ મારવાનો અને બેગમાં રહેલું ચાકું બતાવવાનો સ્ફોટક આક્ષેપ કર્યા બાદ આજે ડીઈઓ કચેરી દોડતી થઈ ગઈ હતી.
વડોદરા ડીઈઓ દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે અને આજે એક ટીમને તપાસ માટે સ્કૂલમાં મોકલવામાં આવી હતી.ડીઈઓ મહેશ પાંડેનું કહેવું છે કે, તપાસનો અહેવાલ આવ્યા બાદ જ કશું કહી શકાશે પરંતુ જો સ્કૂલ સંચાલકો દોષિત હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.તેમને દંડ પણ ફટકારવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીએ કરેલા આક્ષેપો ગંભીર હોવાથી મામલાની તપાસ જરુરી છે.કચેરીની ટીમ દ્વારા સ્કૂલના સ્ટાફના પણ જવાબો લેવાની કાર્યવાહી શરુ કરાઈ છે.આગામી સપ્તાહમાં તપાસ કરનારી ટીમ અહેવાલ સુપરત કરશે.
ઉલ્લેખનીય છે કે, પોદ્દાર ઈન્ટરનેશન સ્કૂલમાં શુક્રવારે બપોરે રિસેસના સમયે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ચાલુ ક્લાસમાં હાથાપાઈ પણ થઈ હતી.આ પૈકીના એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર બેગમાં ચાકુ લાવવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.વિદ્યાર્થીના વાલીએ સ્કૂલ સામે બેદરકારી દાખવવાના આક્ષેપો પણ કર્યા હતા.
પોલીસ દ્વારા તપાસના ભાગરુપે એક ટીમને સ્કૂલમાં મોકલવામાં આવી હતી. આ ટીમે સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે.વાઘોડિયા પોલીસે કહ્યું હતું કે, આ મામલે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ આજે પણ નોંધાઈ નથી.










