Vadodara Wedding Season : છેલ્લાં એકાદ દાયકાથી ઓપન જીપ, લક્ઝરી અને વિન્ટેજ કારમાં જાન લઈને જવાનું ચલણ જોવા મળી રહ્યું છે. આધુનિકતાની આ લહેર વચ્ચે બગીમાં વરરાજાને બેસાડી જાન કાઢવાની જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. તેમાંય વરઘોડાની શોભા વધારતી આકર્ષક છત્રીઓ સાથેની બત્તી (ફાનસ)ની ભારે માગ છે.
દેવઉઠી એકાદશીથી લગ્ન સીઝનનો શુભારંભ થઈ ગયો છે. આધુનિક યુગની અસર સ્વાભાવિક રીતે જ લગ્ન પ્રસંગોમાં જોવા મળી રહી છે. વરઘોડામાં છેલ્લા દાયકાથી વિન્ટેજ અને લક્ઝરી કાર, ઓપન જીપ વગેરે વાહનોનો ઉપયોગ વધ્યો છે. કેટલાક ધનિકોના નબીરા લગ્ન પ્રસંગે લક્ઝરી કારોના કાફલા સાથે પરણવા નીકળે છે. પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડની જેમ આજેપણ બગીનો ક્રેઝ લોકોમાં જોવા મળે છે. લગ્ન સિવાય શોભાયાત્રા, પ્રાણ પ્રતિ મહોત્સવ જેવા ધાર્મિક પ્રસંગોમાં પણ બગી ભાડે લેવાતી હોય છે. વરઘોડાની શોભા વઘારવા સાથે અનેકને રોજગાર આપતી વરઘોડાની બત્તીની પણ વિશેષ બોલબાલા છે. નાગરવાડા વિસ્તારમાં બત્તી ભાડે આપવાનો વ્યવસાય કરતા વેપારી ફઈમ સૈયદનું કહેવું છે કે, 50 વર્ષ અગાઉ મારા પિતા મરહુમ. નસરૂદ્દીન સૈયદ અને તેમના ભાઈ અમીરૂદ્દીન સૈયદે આ શરૂઆત કરી હતી. દેવ દિવાળી પર્વે શહેરના ઐતિહાસિક મંદિરોમાંથી નીકળતા રામજી, રણછોડજી અને નરસિંહજી ભગવાનના વરઘોડામાં માત્ર અમારી જ ઝુમ્મર બત્તીઓ સેવામાં રહે છે.
વિન્ટેજ, ઈમ્પાલા જેવી ગાડીઓની ડિમાન્ડ
વારસિયા વિસ્તારમાં છેલ્લા 24 વર્ષથી ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલ વેપારી કમલેશભાઈ ગોધવાણીનું કહેવું છે કે, આજે વરઘોડા માટે વિન્ટેજ, ઈમ્પાલા, જીપ, લેમ્બોર્ગીની જેવી વૈભવી ગાડીઓ લોકોની પસંદ બની છે. બે લાભભાડું ભાડું લેવાય છે. રજવાડાઓના સમયથી આ પરંપરા રહી છે.
પટિયાલા, બાહુબલી, ટાઈગર, જેવી બગીઓની બોલબાલા
અગાઉ માત્ર રજવાડી બગી જોવા મળતી હતી. પરંતુ સમયની સાથે તેમાં પણ બદલાવ આવ્યો છે. આજે મહારાજ, પટિયાલા, બાહુબલી, ટાઈગર, વિક્ટોરિયા સહિત અનેક બગીઓ ઉપલબ્ધ છે. બે કલાકના ઉપયોગ માટે રૂ.8 થી 15 હજાર ભાડું લેવાય છે.

કેરોસીન ફાનસથી ઈલેકિટ્રક ઝુમ્મર બત્તી સુધીની સફર
40 વર્ષ અગાઉ કેરોસીનથી ઉજાસ ફેલાવતી પેટ્રોમેક્સ બત્તી (ફાનસ) ભાડે મળતી હતી. આ બત્તીનો કોક ઓન કરતા ગેસ મેન્ટલ સળગતા પ્રકાશ આપતી હતી. વરઘોડા માટે લોકો તે સમયે 10 બત્તીના સેટ માટે રૂ.800 ભાડું ચૂકવતા હતા. આજે જનરેટરથી ચાલતી ઈલેક્ટ્રિક અમ્બ્રેલા છત્રી અને ઝુમ્મર બત્તી (પેટ્રોમેક્સ/ફાનસ) વરઘોડાની શોભા વધારે છે. બે કલાક માટે રૂ.7 થી 10 હજાર ભાડું લેવાય છે.










