![]()
માછીમારોને નજીકના બંદર પર જતાં રહેવા સૂચના : મોટાભાગની બોટ પરત આવી જતા માંગરોળ બંદર પર જગ્યા ન રહેતા અમુકને એન્કર પર લાંગરવામાં આવી
જૂનાગઢ, : શક્તિ વાવાઝોડાના કારણે માંગરોળ બંદર પર દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. જેના લીધે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને પરત ફરવા સુચના આપવામાં આવતા મોટાભાગની બોટ પરત ફરી છે. બંદર પર જગ્યા ન રહેતા અમુક બોટને બહાર કાઢી લેવામાં આવી છે તો અમુકને દરિયામાં એન્કર લાંગરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારી માટેના ટોકન આગામી તા. 5-10-2025 સુધી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. ઓનલાઈન ટોકન લઈ જે બોટ માછીમારી કરવા દરિયામાં ગઈ છે તેઓને નજીકના બંદર પર જતાં રહેવા સુચના આપવામાં આવી છે.
ફિશરીઝ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, માછીમારી માટેના ટોકન અગાઉ તા. 3 સુધી બંધ કરવામાં આવ્યા હતા હવે તે તા. 5-10 સુધી બંધ કરવામાં આવ્યા છે અને માછીમારોને પરત બંદર પર અથવા નજીકના દરિયાકાંઠા પર બોટ લાંગરવા સુચના આપવામાં આવી છે.માંગરોળ બંદરમાં 2500 જેટલી બોટ છે.વાવાઝોડાની સંભાવનાના કારણે પરત આવવા સુચના મળતા મોટાભાગની બોટ પરત આવી જતા બંદર પર બોટ રાખવા જગ્યા રહી ન હતી. આથી અમુક બોટને બહાર કાઢી લેવામાં આવી હતી તો અમુકને દરિયામાં એન્કર નાખી લાંગરવામાં આવી હતી.
15 ઓગસ્ટથી માછીમારોની સિઝન શરૂ થઈ હતી. આ દરમ્યાન 4 વાર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હોવાથી માછીમારો હાલ બેરોજગાર બન્યા છે. ત્યારે સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે એવી માંગ ઉઠી છે. શક્તિ વાવાઝોડાની અસરથી માંગરોળના દરિયામાં કરંટ જોવા મળતા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું તો બંદર પર બોટ રાખવાની જગ્યા રહી ન હતી.










