![]()
અમદાવાદ,બુધવાર,5
નવેમ્બર,2025
અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા ૯૩ મ્યુનિસિપલ શાળાઓના
મકાન વર્ષોથી બંધ હાલતમાં છે. આ મકાનોમાં આંગણવાડી ચલાવવા નિર્ણય કરાયો છે.
શહેરમાં ૨૧૦૦ જેટલી આંગણવાડીઓ ચલાવવામા આવે છે.આ પૈકી ૭૦૦ આંગણવાડી ભાડાના મકાનમાં
ચલાવાઈ રહી છે. બંધ મ્યુનિ.શાળાઓમાં આંગણવાડી ચલાવવાના નિર્ણયથી કોર્પોરેશનને
વર્ષે અંદાજે દસ કરોડ રુપિયાની બચત થશે.બંધ શાળાઓના મકાન પૈકી કેટલાક મકાન સામાન્ય
સમારકામ કરી ફરીથી ઉપયોગમાં લઈ શકાય એમ હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત શાળાઓ પૈકી સ્કૂલ બોર્ડ
માલિકીના ૫૪ મકાન તથા સ્કૂલ બોર્ડ હસ્તક ભાડાના મકાનમા ચલાવાતી શાળાઓ પૈકી ૩૯ મકાન
છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં આવેલા છે. ખાડીયા ઉપરાંત જમાલપુર, બહેરામપુરા, એલિસબ્રિજ તથા
સરદારનગર વોર્ડમાં આવેલા આ મકાનો આંગણવાડી ચલાવવા માટે આપવા સ્ટેન્ડિંગ કમિટીએ
દરખાસ્ત મંજૂર કરી છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લગધીર દેસાઈએ કહયુ, કોટ
વિસ્તારમાં બાળકોની સંખ્યા ઘટતા શાળાઓ
મર્જ કરી કેટલીક શાળાઓ બંધ કરાઈ હતી.લાખા પટેલની પોળ,ખાડીયા ખાતે
આવેલી શાળાના બિલ્ડિંગમા નીચેના ભાગમા કોર્પોરેશન દ્વારા આયુર્વેદીક દવાખાનુ
ચલાવાય છે.તો અમૃતલાલની પોળ પાસે આવેલા મ્યુનિસિપલ શાળાના મકાનમાં કોર્પોરેશન
દ્વારા ખાડીયા અર્બન હેલ્થ સેન્ટર વર્ષોથી ચલાવાઈ રહયુ છે.હવે બંધ મ્યુનિસિપલ
શાળાઓના મકાનમાં આંગણવાડી ચલાવવાના નિર્ણયથી કોર્પોરેશનને દર મહીને ભાડા પેટે
ચૂકવવી પડતી દોઢથી બે કરોડ રુપિયાની બચત થશે.
મ્યુનિ.શાળાના બંધ મકાન કયા-કયા વિસ્તારમાં
શહેરના સરદારનગર,
અસારવા, કુબેરનગર, સૈજપુર
ઉપરાંત કાલુપુર,દરિયાપુર, જમાલપુર
વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ શાળાઓના મકાનો પૈકી કેટલાક વર્ષોથી બંધ હાલતમાં
છે.શાહપુર, સરસપુર, ગોમતીપુર,બાપુનગર, ખોખરા, ઘોડાસર,બહેરામપુરા, રાયખડ તથા
મેઘાણીનગર વિસ્તારમાં આવેલી એક શાળા જર્જરીત હોવાથી બંધ હાલતમાં છે.










