GST Collections: દુનિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. માર્ચ 2026માં દેશનું GST કલેક્શન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. સરકારી આંકડા મુજબ, નેટ GST કલેક્શન વધીને 2 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે ગત ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ 8.2 ટકા વધુ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં વેપાર અને વપરાશ બંનેમાં મજબૂતી જળવાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ કલેક્શનમાં આ વધારો આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાનો સંકેત આપે છે.
ગયા વર્ષ(માર્ચ 2025)ના સમાન મહિનાની સરખામણીએ સરખામણીએ 8.8% વધુ
તેમજ જો ગ્રોસ GST કલેક્શનની વાત કરીએ તો માર્ચમાં તે 2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ 8.8% વધુ છે. સતત વધી રહેલી GST વસૂલાત સરકારની આવકને મજબૂત કરી રહી છે અને આગામી સમયમાં વિકાસ યોજનાઓને વેગ આપવામાં મદદ મળશે. એકંદરે, આ આંકડા ભારતીય અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.
0.22 લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરાયા
રિફંડની વાત કરીએ તો માર્ચ મહિનામાં કુલ 0.22 લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરવામાં આવ્યા છે, જે વાર્ષિક ધોરણે 13.8% વધુ છે. રિફંડ વધવા છતાં સરકારની નેટ કમાણી મજબૂત રહી છે, જે 1.78 લાખ કરોડ રૂપિયા રહી. આ એવો પણ સંકેત આપે છે કે નિકાસ અને વેપાર સાથે જોડાયેલા સેક્ટર્સ હાલ પાટે છે.
ગ્રોસ રેવેન્યૂ 1.46 લાખ કરોડ રૂપિયા રહી
રેવેન્યૂના અલગ-અલગ હિસ્સાઓ પર નજર કરીએ તો સ્થાનિક વ્યવહારોમાંથી મળતી ગ્રોસ રેવેન્યૂ 1.46 લાખ કરોડ રૂપિયા રહી, જેમાં 5.9% નો વધારો થયો છે. બીજી તરફ, આયાતમાંથી મળતી રેવેન્યૂ 0.54 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાં 17.8% નો મોટો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ છે કે દેશમાં આયાત ગતિવિધિઓ પણ ઘણી મજબૂત રહી છે.
કેવું રહ્યું રાજ્યોનું પ્રદર્શન
સમગ્ર નાણાકીય વર્ષ 2025-26ની વાત કરીએ તો ગ્રોસ GST કલેક્શન 8.3% વધીને 22.27 લાખ કરોડ રૂપિયા થી વધુ થઈ ગયું છે. તેમજ નેટ GST રેવેન્યૂ 7.1% ના વધારા સાથે 19.34 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. રાજ્યોના પ્રદર્શન પર નજર કરીએ તો ઘણા રાજ્યોમાં GST કલેક્શનમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. જેમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. બીજી તરફ કેટલાક રાજ્યોમાં ઘટાડો પણ નોંધાયો છે, જેમ કે જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ, દિલ્હી, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ. એકંદરે, આ આંકડા દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર અને મજબૂત દિશામાં આગળ વધી રહી છે.

કયા મહિનામાં કેટલું કલેક્શન?
એપ્રિલ 2025: 2.37 લાખ કરોડ
મે 2025: 2.01 લાખ કરોડ
જૂન 2025: 1.85 લાખ કરોડ
જુલાઈ 2025: 1.95 લાખ કરોડ
ઓગસ્ટ 2025: 1.86 લાખ કરોડ
સપ્ટેમ્બર 2025: 1.89 લાખ કરોડ
ઓક્ટોબર 2025: 1.96 લાખ કરોડ
નવેમ્બર 2025: 1.70 લાખ કરોડ
ડિસેમ્બર 2025: 1.75 લાખ કરોડ
જાન્યુઆરી 2026: 1.93 લાખ કરોડ
ફેબ્રુઆરી 2026: 1.84 લાખ કરોડ
માર્ચ 2026: 2 લાખ કરોડથી વધુ
આ પણ વાંચો: રાજ્ય સરકારનો વટ હુકમ: જમીન વ્યવહારોમાં 135-Dની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર
ગુજરાતમાં કેટલું GST કલેક્શન?
ગુજરાતે માર્ચ 2026માં ટેક્સ કલેક્શનમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, સેટલમેન્ટ પછીના ધોરણે, રાજ્યનું સ્ટેટ જીએસટી (SGST) કલેક્શન વાર્ષિક ધોરણે 10% વધીને 6,835 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે, જે માર્ચ 2025માં 6,193 કરોડ રૂપિયા હતું. જો સેટલમેન્ટ પૂર્વેના આંકડા જોઈએ તો, ગુજરાતે માર્ચ 2026માં 4,450 કરોડનું SGST એકત્ર કર્યું છે, જે ગત વર્ષના સમાન ગાળાના 4,246 કરોડની સરખામણીએ 5%નો વધારો દર્શાવે છે.










