![]()
Sonia Gandhi Attack Central Government on MNREGA : કેન્દ્ર સરકારે દેશની સૌથી મોટી ગ્રામીણ રોજગાર યોજના MNREGAનું નામ બદલીને ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025’ એટલે કે ‘VB-G RAM G’ (જી રામ જી) કરી નાખતા વિપક્ષને વાંધો પડ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે, આ માત્ર નામ બદલવાનો મામલો નથી, પરંતુ કામનો હક્ક આપતી રોજગાર ગેરંટી યોજનાની આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી રહી છે. સંસદમાં જી રામ જીનું બિલ લવાતા જ વિપક્ષે સંસદથી લઈને રસ્તા પર વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મનરેગા મામલે એક વીડિયો સંદેશ જાહેર કરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાન મોદીની નીતિઓની ટીકા કરી છે.
મનરેગાથી ગરીબોનું પલાયન અટક્યું હતું : સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ વીડિયો સંદેશમાં કહ્યું છે કે, ‘મને આજે પણ યાદ છે કે, 20 વર્ષ પહેલા ડૉ.મનમોહન સિંહજી વડાપ્રધાન હતા, ત્યારે સંસદમાં સર્વસંમત્તિથી મનરેગા બિલ પાસ કરવામાં આવ્યું હતું. આ એક ક્રાંતિકારી પગલું હતું અને આ યોજનાથી કરોડો ગ્રામીણોને ફાયદો મળ્યો. વંચિત, શોષિત, ગરીબ અને અતિગરીબ લોકો યોજના હેઠળ રોજી-રોટી મેળવતા હતા. અનેક લોકો રોજગાર માટે પોતાનું ગામ, ઘર, પરિવાર છોડીને પલાયન થતા હતા, જોકે આ રોજગાર યોજના આવ્યા બાદ તેઓનું પલાયન બંધ થઈ ગયું, તેઓને રોજગારી માટે કાયદેસરનો હક્ક આપવામાં આવ્યો, સાથે જ યોજનાના કારણે ગ્રામપંચાયતોની પણ શક્તિ વધી. મનરેગાથી મહાત્મા ગાંધીનું ગ્રામ સ્વરાજનો વિકાસ કરવાનું સ્વપ્ન સાકાર થયું.’
આ પણ વાંચો : પિતાના મોતથી પૈસા કમાવવાનું તરકટ, બે દીકરા સહિત 6ની ધરપકડ, તમિલનાડુની હચમચાવતી ઘટના
ચર્ચા વગર નામ બદલી નાખ્યું : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા
તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘છેલ્લા 11 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે મનરેગા યોજનાને નબળો પાડવાના તમામ પ્રયાસ કર્યો અને ગરીબો અને વંચિતોના હિતોની અવગણના કરી. જ્યારે કોરોના ફેલાયો હતો, ત્યારે આ યોજના ગરીબો માટે સંજીવની સાબિત થઈ. જોકે અફસોસની વાત એ છે કે, સરકારે તાજેતરમાં જ ‘મનરેગા પર બુલડોજર’ ચલાવી દીધું. કેન્દ્ર સરકારે ચર્ચા-વિચારણા કર્યા વગર, કોઈની પણ સલાહ લીધા વગર, વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર, મનમાની કરીને મહાત્મા ગાંધીનું નામ હટાવીને મનરેગાનું નામ બદલી નાખ્યું.’
મનરેગા દેશ અને જાહેર હિત સાથે જોડાયેલી યોજના : સોનિયા ગાંધી
તેમણે વધુમાં કહ્યું કે, ‘હવે સ્થાનિક જરૂરિયાતોને સમજ્યા વગર દૂર બેઠેલી કેન્દ્ર સરકાર નક્કી કરશે કે, યોજના હેઠળ કોને, કેટલો, ક્યાં, કેવી રીતે રોજગાર મળશે. મનરેગા યોજના લાવવામાં આને તેને લાગુ કરવામાં કોંગ્રેસનું મોટું યાગદાન છે. આ યોજના ક્યારે પાર્ટી સાથે જોડાયેલ મામલો નથી. આ યોજના દેશ અને જાહેર હિત સાથે જોડાયેલી યોજના છે. મોદી સરકારે યોજનાના કાયદાને નબળો પાડીને કરોડો ખેડૂતો, શ્રમિકો અને ગરીબોના હિત પર હુમલો કર્યો છે. અમે આ હુમલાનો મુકાબલો કરવા માટે તૈયાર છીએ. 20 વર્ષ પહેલા હું પણ ગરીબ ભાઈ-બહેનોને રોજગારનો અધિકાર અપાવવા માટે લડી હતી. અને હું આજે પણ આ કાળા કાયદા વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ છું. મારા જેવા કોંગ્રેસના તમામ નેતાઓ અને લાખો કાર્યકર્તાઓ તમારી સાથે ઉભા છે.’
આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જોઈએ










