![]()
– વાસણા બેરેજમાંથી 47,590 ક્યુસેક પાણી છોડાયું
– ગ્રામ્ય પોલીસનું ચેકપોસ્ટ ઊભી કરી સતત પેટ્રોલિંગ : સરોડા ગામ પાસે નદી બે કાંઠે થતા જોખમ વધુ : કિનારે નહીં જવા તંત્રની સૂચના
બગોદરા : વાસણા બેરેજના ૨૭ દરવાજા ખોલી ૪૭,૫૯૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતીમાં જળનું સ્થર વધતા ધોળકાના ૨૦ જેટલા ગામોને એલર્ટ કરાયા છે. તકેદારીના ભાગરૂપે નદી કીનારે નહીં જવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે.
ધરોઈ ડેમમાંથી અંદાજે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અને અમદાવાદના વાસણા બેરેજના ૨૭ દરવાજા ખોલવામાં આવતા, સાબરમતી નદી તેના ભયાનક સ્વરૂપમાં આવી છે. નદીના પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે તે ધોળકા તાલુકાના ગામોને અસર કરી શકે છે. ધોળકાના સરોડા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે.
સાબરમતી નદીમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને નદીના કિનારે આવેલા ધોળકા તાલુકાના ૨૦થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સરોડા ગામ પાસેથી પસાર થતા નદીના પુલ પાસે ધોળકા રૂરલ પોલીસે ચેકપોસ્ટ ઊભી કરી અને સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે. પોલીસ દ્વારા લોકોને પુલ અને નદી કિનારાથી દૂર રહેવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે.
આ ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદી કિનારે કોઈપણ પ્રવૃત્તિ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.
તાલુકાના કયા ગામો અસરગ્રસ્ત
ધોળકા તાલુકાના સરોડા , ચંડીસર, કોદાળીયાપુરા, આંબલીયારા, સાથળ, સહિજ, રામપુર, વૌઠા, અંધારી, વિરપુર, ગીરદ, વિરડી, પીસાવાડા, વટામણ રામપુર, આનંદપુરા, લોલીયા, સમાણી, ભોળાદ, નાની બોરું અને મોટીબોરુંને અસરની સંભાવનાના પગલે એલર્ટ કરાયા છે.










