![]()
– ગંદકી થતા રોગચાળાનો ભય : તંત્ર હજૂ નિંદ્રાધીન
– રોડ પર ઘૂંટણસમા પાણીથી વાહન ચાલકો સહિત સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા
બગોદરા : અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં ચોમાસાના વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
?શહેરના પક્ષીભુવન, પારસમણી સોસાયટીથી એસ.એમ. પટેલ રોડ, ગર્લ્સ સ્કૂલ રોડ, આસોપાલવ, બદ્રીનાથ, ભરવાડ વાસ ના નાકે, સંત આશ્રમ (જાપલી ખાંડ), બાવળા ગેટ, આનંદ બાગ, ધોળકા રોડ પર સ્વામિનારાયણ મંદિરથી રઘુવીર સોસાયટી સુધી, રત્નદીપ સોસાયટી, સ્વાગત રેસિડેન્સી, બળિયાદેવ, અને અનુસૂચિત વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારોમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનો ફસાઈ રહ્યા છે અને લોકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દર વર્ષ કરતા આ વર્ષે ચોમાસામાં સ્થિતિ વિકટ બની છે. લોકોના ઘરમાં પાણી ઘૂસતા ભારે હાલાકી પડી રહી છે. ગંદકીના કારણે રોગચાળાનો ભય પણ સર્જાયો છે.










