![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ખાડે ગયેલી સુરક્ષા વ્યવસ્થા અને સત્તાધીશો દ્વારા સેવાઈ રહેલા દુર્લક્ષના પાપે આજે સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બેઠેલી વિદ્યાર્થિનીઓની બહારથી આવેલા ત્રણ યુવકોએ છેડતી કરતા ભારે હોબાળો મચી ગયો હતો.
કેમ્પસમાં બહારથી આવતા લુખ્ખા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે તે આજની ઘટનાએ ફરી સાબિત કર્યું હતું.છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓ પૈકી એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, અમે કેન્ટીનમાં જમવા બેઠા હતા ત્યારે ત્રણ યુવકો અમારી સામે સતત તાકી રહ્યા હતા.તેના કારણે અમે જગ્યા બદલી તો આ યુવકો પણ જગ્યા બદલીને અમારી નજીક આવીને બેસી ગયા હતા.અમે કેન્ટીનમાંથી ઉભા થઈને બહાર નીકળવા ગયા હતા ત્યારે આ યુવકો અમારી પાછળ આવ્યા હતા અને તેમાંથી એક ધક્કો માર્યો હતો.ત્યારે મેં તેને કહ્યું હતું કે, કમસેકમ સોરી તો બોલો ત્યારે ઉલટાનું તેમણે કેમ્પસ બહાર નીકળીને જોઈ લેવાની ધમકી આપી હતી.એબીવીપી સાથે સંકળાયેલી આ વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, એ પછી અમે હોબાળો મચાવ્યો હતો અને ફેકલ્ટીના બીજા વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા.આ પૈકીના એક યુવકને અમે પકડી લીધો હતો અને ડીનને જાણ કરી હતી.ડીને પોલીસની શી ટીમને બોલાવી હતી.આ યુવકને શી ટીમને સોંપી દેવાયો હતો.
આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન અંગે તાજેતરમાં રજૂઆત થઈ હતી
યુનિવર્સિટીમાં અડિંગો જમાવતા બહારના તત્વો હવે ફેકલ્ટીઓની કેન્ટીનો સુધી પહોંચી ગયા છે અને તે ચોંકાવનારી બાબત છે.કારણકે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશવાના એક પણ ગેટ પર આઈ કાર્ડ ચેકિંગ થતું નથી અને કેમ્પસમાં ગમે તે વ્યક્તિ ગમે ત્યારે અવર જવર કરી શકે છે.આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન બહારના તત્વોનો અડ્ડો બની રહી છે તેવી રજૂઆત વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ કરી હતી અને એ પછી સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જાહેરમાં છેડતી થવાની ઘટના વાલીઓને ચિંતા કરાવે તેવી છે.
યુવકને પકડવા માટે પણ સિક્યુરિટીની મદદ ના મળી
છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, શું દીકરીઓની સુરક્ષાની જવાબદારી યુનિવર્સિટી સત્તાધીશોની નથી? છેડતી કરનારને પણ પકડવા માટે પણ સિક્યુરિટીએ અમારી મદદ કરી નહોતી અને યુનિવર્સિટી દ્વારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ કોઈ હિલચાલ કરવામાં આવી નથી.જો સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ નહીં નોંધાવાય તો અમે વિદ્યાર્થિનીઓ પોલીસ મથકમાં જઈશું.પોલીસ સૂત્રોએ પાછળથી કહ્યું હતું કે, આ મામલે સમાધાન થઈ ગયું હોવાથી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.યુવકને બાદમાં છોડી દેવાયો છે.










