![]()
Vadodara Crime : મધ્ય ગુજરાતના ચાર જિલ્લાઓ વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં લોકો વધુ રૂપિયા ગુમાવવા લાગ્યા છે. સરકાર દ્વારા હેલ્પલાઇનથી માંડીને અનેક સુવિદ્યાઓ સાયબર ક્રાઇમમાં ગયેલા નાણાં પરત મેળવવા માટે શરૃ કરી છે પરંતુ સાયબર માફિયાઓ તંત્ર કરતાં પણ વધુ હોશિયાર સાબિત થયા છે અને સાયબર ક્રાઇમમાં ગુમાવેલા રૃપિયા પૈકી માત્ર 10થી 20 ટકા જ રકમ લોકોને પરત મળે છે. સાયબર માફિયાઓ માટે મોબાઇલ નંબર અને સોશિયલ મીડિયા એક્ટિવ હોય તેવા લોકો સરળ ટાર્ગેટ રહ્યા છે. અગાઉ શહેરી વિસ્તારમાં રહેતા લોકો મોટી રકમનો ભોગ બનતા હતા પરંતુ હવે નાના નાના નગરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને ટાર્ગેટ કરી નાની મોટી રકમ ઓનલાઇન પડાવી લેવાના કિસ્સાઓ બહાર આવ્યા છે.
મધ્ય ગુજરાતના ચાર જિલ્લાઓમાં સૌથી વધુ સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં ભરૂચ જિલ્લો મોખરે અને ત્યારબાદ વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષના સાયબર ફ્રોડના આંકડાઓ પર નજર નાખીએ તો વર્ષ-2024માં લોકોએ રૂ.72.22 કરોડ જેટલા રૂપિયા ગુમાવ્યા તેની સામે માત્ર 10 ટકા જ રકમ એટલે કે રૂ.7.10 કરોડ ભોગ બનનારાઓને પરત મળી છે જ્યારે વર્ષ-2025ના સપ્ટેમ્બર માસ સુધી રૂ.44.39 કરોડ જેટલી રકમ સાયબર ક્રાઇમમાં ગુમાવી તેની સામે 20 ટકા રકમ એટલે કે માત્ર રૂ.8.88 કરોડ લોકો પોતાના ખાતામાં મેળવી શક્યા છે. સરકાર દ્વારા સાયબર ક્રાઇમ માટે 1930 હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર કેટલાક જાગૃત નાગરિકો તાત્કાલિક ફરિયાદ કરે તો પણ ગુમાવેલી રકમ પરત મેળવી શક્યા નથી. સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોનો નિકાલ લાવવા માટે પોલીસ સ્ટાફમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ લોકોને તેનું ફળ મળતું નથી. ઓનલાઇન પૈસા પડાવવા માટે સાયબર માફિયાઓની અનેક તરકીબો ઇન્વેસ્ટમેન્ટ અથવા ઓનલાઇન ટાસ્કથી વધુ રૂપિયા કમાવવાની લાલચમાં લોકો વધુ રૃપિયા ગુમાવતા હોય છે તેમ પ્રાથમિક અંદાજમાં બહાર આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓનલાઇન ટાસ્કથી નાણાં કમાવવા તથા બેંક કે ઇન્વેસ્ટમેન્ટ બ્રોકરના ભળતા નામથી વધુ નફો આપવાની લાલચની જાહેરાતોમાં લોકો પોતાની મહામૂલી બચતના નાણાં ગુમાવતા હોય છે. આ ઉપરાંત વીજળી બિલ, ટ્રાફિક ચલણ, કિસાન નિધિના પૈસા, આમંત્રણ વિગેરે નામથી એપીકે ફાઇલ બનાવી મોબાઇલના ડેટા ચોરી લઇ પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરે છે. તેમજ ઇન્સ્ટન્ટ લોન મેળવવા એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સાયબર ફ્રોડ કરતા હોવાના કિસ્સાઓ પણ બન્યા છે.









