![]()
વડોદરાઃ દીવાળીના તહેવારો નજીક છે ત્યારે સાઈબર ક્રાઈમ આચરનારા ભેજાબાજો હવે ઓનલાઈન શોપિંગ કરનારાઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે.ડભોઈના એક શિક્ષકને આ પ્રકારનો અનુભવ થયો છે.
આ શિક્ષકે એક વાતચીતમાં કહ્યું હતું કે, ગત શનિવારે મેં ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી એક બેગ ઓર્ડર કરી હતી.ઓર્ડર કન્ફર્મ થઈ ગયો હતો અને હું ડિલિવરીની રાહ જોતો હતો.ડિલિવરીની તારીખના આગલા દિવસે મને અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો કે, તમે તમારુ સરનામુ અપડેટ કરો, નહીંતર ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલર કરી દેવામાં આવશે.મને અપડેટ માટે એક લિન્ક મોકલવામાં આવી હતી અને મારે તેના પર જઈને ૧૦ રુપિયાનું પેમેન્ટ ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી કરીને સરનામુ અપડેટ કરવાનું હતું.
શિક્ષક કહે છે કે, મને શંકા ગઈ હતી અને જ્યારે મેં ખાતરી કરાવી ત્યારે આ ફિશિંગ વેબસાઈટ હોવાનું ખબર પડી હતી.આ ઘટનામાં વેબસાઈટ વેરિફાય કરનાર સાયબર એક્સપર્ટ મયૂર ભુસાવળકરે કહ્યું હતું કે,વેબસાઈટ એક મહિના પહેલા જ રજિસ્ટર્ડ કરવામાં આવી છે.જો શિક્ષકે પેમેન્ટ કરવા માટેના વેબસાઈટ પર મૂકાયેલા ફોર્મમાં જાણકારી પૂરી પાડીને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોત તો કાર્ડની તમામ જાણકારી સાઈબર ક્રિમિનલ્સ પાસે પહોંચી હોત અને તેઓ શિક્ષકનું બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાંખે તેવી પૂરી શક્યતા હતી.
લોકોનો વિશ્વાસ જીતવા વેબસાઈટ પર ઈન્ડિયા પોસ્ટનો લોગો મૂકયો
ઈ-કોમર્સ કંપનીઓ માત્ર કંપનીના નામથી જ એસએમએસ મોકલતી હોય છે
સાયબર એક્સપર્ટ કહે છે કે, ઓનલાઈન પાર્સલ મંગાવનારાઓનો વિશ્વાસ જીતવા માટે ભેજાબાજોએ વેબસાઈટ પર ઈન્ડિયા પોસ્ટનો લોગો મૂકયો હતો. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, ઈ કોમર્સ કંપનીઓ માત્ર રજિસ્ટર્ડ કંપનીના નામે એસએમએસ મોકલે છે.ઉપરાંત કોઈ પણ કુરિયર કંપની સરનામુ અપડેટ કરવા ૧૦ રુપિયા જેવી નાની રકમ માગતી નથી.આ રકમ બેન્ક ડિટેઈલ મેળવવાનું બહાનું છે.ઓનલાઈન ખરીદીમાં જો એડ્રેસ કે બીજી વિગતો અપડેટ કરવાની હોય તો પણ તે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર કે મોબાઈલ એપ પર જ કરવાની હોય છે.કોઈ પણ શંકા હોય તો કંપનીના સત્તાવાર કસ્ટમર કેરનો સંપર્ક કરીને ખાતરી કરવી જરુરી છે.અજાણી લિન્ક કે વેબસાઈટ પર ક્યારેય તમારી ડેબિટ, ક્રેડિટ કાર્ડની જાણકારી કે યુપીઆઈ પિન દાખલ કરવા જોઈએ નહીં.










