![]()
– ન.પા.એ કરોડોની કિંમતની સમૂહ ખેતી તરીકે ઓળખાતી જગ્યાની માંગણી કરી
– માનવ વસતી ધરાવતી જગ્યા પસંદ કરાતા આરોગ્યલક્ષી સંકટ ઉભું થવાની દહેશત, રહિશો ધરણાં-આંદોલનનો માર્ગ અપનાવશે
સિહોર : સિહોરના ઉસરડ રોડ પર કરોડો રૂપિયાની કિંમતની સરકારી જગ્યામાં નગરપાલિકા તંત્રને કચરો ભેગો કરવાનું સુઝ્યું છે. સમૂહ ખેતી તરીકે ઓળખાતી જગ્યાને ઉથરેટી માટે ફાળવવાની ન.પા.એ માંગ કરતા સ્થાનિકોએ તેની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
સિહોરમાં વોર્ડ નં.૧માં આવેલ ઉસરડ રોડ પર સમૂહ ખેતી તરીકે ઓળખાતી જગ્યામાં ઉથરેટી/ડમ્પીંગ યાર્ડ બનાવવાની હિલચાલ થઈ રહી છે. અહીં ગોહિલનગર, સંકલ્પ ડેવોલપર્સ, સિંધી કોલોની સહિતની સોસાયટીઓમાં મોટા પ્રમાણમાં માનવ વસાહત છે. આસપાસમાં ફળદ્રુપ ખેતીલાયક જમીનો છે. જ્યાં ખેડૂતો ખેતીકામ સાથે વસવાટ પણ કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના હેઠળ વૃક્ષો ઉછેરી આ વિસ્તારને હરિયાળો બનાવવામાં આવ્યો છે. તેમ છતાં ન.પા. તંત્ર દ્વારા ઉથરેટી માટે હિલચાલ કરી પર્યાવરણીય પ્રશ્નોની સાથે રહિશોને આરોગ્યલક્ષી સંકટ પણ ઉભું થવાની દહેશત છે.
આ બાબતે સ્થાનિક રહિશોએ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી સમૂહ ખેતી તરીકે ઓખળાતી જગ્યા પર ડમ્પીંગ યાર્ડ બનાવવાના બદલે પીએચસી, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, શાળા-કોલેજ, હોસ્ટેલ જેવી સરકારી સુવિધા માટે જગ્યા ઉપયોગ કરવાની લાગણી દર્શાવી છે. જો કિંમતી અને ઉપજાવ જમીન કચરાની ઉથરેટી માટે ફાળવવાની કાર્યવાહી શરૂ રખાશે તો સ્થાનિક લોકો દ્વારા ધરણાં-આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
જમીન ફાળવવા સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો
ઉસરડ રોડ પર ન.પા.એ કચરાની ઉથરેટી માટે જમીનની માંગણી કરી છે, તેની સામે વિપક્ષના નેતાએ વાંધો ઉઠાવી પ્રાંત અધિકારીને લેખિતમં રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આસપાસ રહેણાંક વિસ્તાર હોય, લોકોને સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતા ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થવાની સંભાવના છે. ગુંદાળા વિસ્તારના લોકોને ઉથરેટીના કારણે જે મુશ્કેલી પડી રહી છે, તેને જોતા ઉસરડ રોડ પર જમીન ફાળવવાની કાર્યવાહી બંધ રાખવા માંગ કરી છે. ઉથરેટીની જગ્યા ફેરવવા વિપક્ષનો સહકાર છે. પરંતુ જ્યાં માનવ વસાહત ન હોય અથવા નહિવત હોય તેવી જગ્યા ઉથરેટી માટે પસંદ કરવી જોઈએ. પ્રમુખે રહિશોને ઉદ્ભવનારી સમસ્યાને ગંભીરતાથી લેવી જોઈએ તેમ વધુમાં ઉમેર્યું હતું.










