![]()
Surat Althan News: સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક પરિણીતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે માતાની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અલથાણ વિસ્તારમાં આવેલી એક બહુમાળી બિલ્ડિંગમાં રહેતી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું. મહિલાએ પોતાના પુત્ર સાથે 14મા માળેથી નીચે પડતું મૂક્યું હતું. ઉંચાઈ પરથી પટકાવાને કારણે થયેલા પ્રચંડ અવાજથી આસપાસના રહીશો દોડી આવ્યા હતા.
બાળકનું મોત, માતા હોસ્પિટલમાં
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે માસૂમ પુત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ મહિલાની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મહિલાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.










