![]()
ABVP Workers Car Rally In Surat : સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં કાર્યકર્તાઓ જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટ્સ કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ABVPના કાર્યકરોએ કાર રેલી દરમિયાન સ્ટન્ટ્સ કરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈને પોલીસે ગુનો નોંધીને બે કાર કબજે કરી છે.
ABVPના કાર્યકરોના સ્ટન્ટ્સ
મળતી માહિતી મુજબ, સુરતના અલથાણ વિસ્તારોમાં આવેલી DRB કોલેજમાં ABVPની બેઠક જોયાઈ હતી. જ્યારે બેઠક પૂર્ણ થયા બાદ ABVPના કાર્યકરોએ કાર રેલી કાઢી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, ABVPના કાર્યકરો ચાલુ કારમાં દરવાજા બહાર લટકીને સ્ટન્ટ્સ કરતાં દેખાય છે. જ્યારે કેટલીક કાર કાળા કાચ વાળી હોવાનું જણાય છે. રેલી દરમિયાન કાર્યકરોએ બેફામ કાર ચલાવીને માર્ગ સલામતીના નિયમોનો ભંગ કરતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વીડિયો વાઈરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઘટના 19 ડિસેમ્બરની છે. ABVPના કાર્યકરો 15થી વધુ સંખ્યામાં કારનો કાફલો લઈને રસ્તા પર ઉતર્યા હતા. જેમાં કાર્યકરોએ જોખમી રીતે કાર ચલાવીને સ્ટન્ટ્સ કર્યા હતા. વીડિયોના આધારે બે કારને જમા લેવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ લાફાકાંડમાં વળાંક, પોલીસને ગાળો આપનારી મહિલા સામે બીજી FIR, શ્યામલ ચાર રસ્તા કેસમાં કાર્યવાહી
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, ABVPના કાર્યકરોએ રેલી બાબતે પોલીસની મંજૂરી લીધી ન હતી. તેમ છતાં અયોગ્ય અને જાહેર રોડ પર સલામતીના નિયમોનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.










