![]()
Surat Corporation : સુરત પાલિકા દ્વારા વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવાની વ્યવસ્થા કરવા માટે વોટર હાર્વેસ્ટીંગ માટે પાલિકાએ પોલીસી બનાવી છે. સુરત પાલિકાની 2700 મિલકતોમાં વોટર હાર્વેસ્ટીંગ કરવા માટે યુનિટ રેઈટ પણ નક્કી કરવામાં આવ્યા હતા અને મોટા ઉપાડે બોર બનાવવાની કામગીરી શરૂ થઈ છે.
જોકે, પાલિકા મિલકતમાં ઘણા બનાવેલા વોટર હાર્વેસ્ટીંગ માટે બનાવેલા બોર તુટેલી હાલતમાં છે તો કેટલીક જગ્યાએ તિરાડો પડી ગઈ છે. જેના કારણે પાલિકાની મિલ્કતોમા કરાયેલા વોટર હાર્વેસ્ટીંગની કામગીરીમાં વેઠ કે ભ્રષ્ટાચાર ? તે અંગે અનેક અટકળો થઈ રહી છે. પાલિકા દ્વારા વરસાદી પાણીનો સંચય વધારવા અને ભૂગર્ભ જળ સ્તર સુધારવા માટે વોટર હાર્વેસ્ટીંગની મોટી યોજના અમલમાં મૂકવામાં આવી છે. ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત પાલિકાની મિલકતોમાં પ્રાયોરિટી ધોરણે બોર બનાવી જળ સંચયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. પરંતુ, જમીન પરની હકીકત આ યોજનાના દાવાઓથી એકદમ વિપરીત દેખાઈ રહી છે. શહેરના ગાર્ડન સહિત વિવિધ પાલિકાની મિલકતોમાં બનાવાયેલા અનેક વોટર હાર્વેસ્ટીંગ બોર હાલમાં જ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યા છે. કેટલાક બોર તૂટી ગયા છે, તો ઘણા સ્થળોએ તિરાડો પડી જતા સમગ્ર માળખાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
શહેરના અનેક જગ્યાએ બોર તુટેલી હાલતમાં કે તિરાડ પડેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોમાં એવી ચચા થઈ રહી છે કે, આ કામગીરીમાં માત્ર બેદરકારી નથી, પરંતુ ગોટાળાની પણ ગંધ આવી રહી છે. યુનિટ રેટ નક્કી કરીને મોટા પાયે ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, જમીન પર નીચી ગુણવત્તાનું કામ કેમ થયું? પાલિકાએ 2700 મિલ્કતમાં બોર કરવા માટેનું આયોજન કર્યું છે અને તેમાંથી અનેક જગ્યાએ બોર બનાવ્યા છે પરંતુ તેમાંથી અનેક ક્ષતિગ્રસ્ત છે અને તુટેલા બોરના કારણે અકસ્માત થવાની પણ ભીતિ છે. જેના કારણે બોર બનાવ્યા છે તેની ગુણવત્તા તપાસ કરવા માટે વિજીલન્સ તપાસ કરવા તથા ભ્રષ્ટાચાર થયો છે તેની પણ તપાસ કરવાની માંગણી ઉઠી છે.










