![]()
આડેધડ વાહન પાર્ક કરનાર સામે કાર્યવાહી કરવા માગ
પતરાવાળીથી ફુવારા સર્કલ રોડની બંને બાજુ વાહન પાર્ક કરતા ટ્રાફિકજામની સમસ્યા
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ બજારમાં આડેઘડ વાહનો ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવતા અવાર-નવાર ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓ સર્જાતા વાહનચાલકો સહિત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જે અંગે રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં શહેરના સીનીયર સીટીઝન અને જાગૃત નાગરિક દ્વારા નવનિયુક્ત જીલ્લા પોલીસવડાને લેખીત રજુઆત કરવામાં આવી છે.
શહેરના પતરાવાળી ચોકથી વાડીલાલ ચોક તેમજ આર.પી.પી. ગર્લ્સ હાઇસ્કૂલ, સી.જે.હોસ્પિટલ અને ફુવારા સર્કલ સુધી રસ્તા પર બંને બાજુ જાહેર રસ્તા પર ફોર વ્હીલર સહિતના વાહનો પાર્ક કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે જેના કારણે રસ્તો સાંકળો થઈ જાય છે તેમજ સીનીયર સીટીઝનો, વિદ્યાર્થીઓ અને પ્રસુતા મહિલાઓને ચાલીને જવામાં અસહ્ય તકલીફ પડી રહી છે. આ ઉપરાંત ટ્રાફિકાજામ થતાં સીટી બસને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમજ હોસ્પીટલ સુધી એમ્બ્યુલન્સને પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેમજ સી.જે.હોસ્પીટલથી હવેલી રોડ પર પણ રસ્તાની બન્ને બાજુ ફોર વ્હીલર પાર્કીંગ કરતા હોવાથી રાહદારીઓ તેમજ ટુ વ્હીલર તેમજ વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આથી જીલ્લા પોલીસવડા દ્વારા આ અંગે સ્થળ પર મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવાની પણ જાગૃત નાગરિક અશોકભાઈ પારેખ દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે.










