![]()
બંને મેળા ૧૪થી ૧૮ ઓગષ્ટ સુધી ચાલશે
આર્ટસ કોલેજના વિશાળ ગ્રાઉન્ડમા સૌ પ્રથમ વખત યોજાનાર ‘વિરાસત લોકમેળો’ આકર્ષણ જમાવશે
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના ૧૪મીથી ૧૮ ઓગસ્ટ સુધી યોજાનારા લોકમેળાની તડામાર તૈયારી ચાલી રહી છે. આ વખતે આર્ટસ કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં સૌ પ્રથમ વખત યોજાનાર મેળો આકર્ષણ જમાવશે. સરકારની મેળાને લગતી એસઓપી સહિત તમામ ગાઈડલાઈનના પાલન સાથે મેળાની તૈયારીઓ ચાલી રહી છે.
સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા આગામી તા.૧૪ થી ૧૮ ઓગષ્ટ સુધી પાંચ દિવસ માટે પરંપરાગત જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે વર્ષોથી યોજાતો લોકમેળો ચાલુ વર્ષે સૌપ્રથમ વખત શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનાર છે. અંદાજે ૩૦,૦૦૦ સ્ક્વેર ફુટ વિશાળ જગ્યામાં સુરેન્દ્રનગરનો લોકમેળો જેનું વિરાસત લોકમેળો નામ આપવામાં આવ્યું છે તે આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ લાગી રહ્યું છે. મેળામાં ગત વર્ષ કરતા રાઈડસની સંખ્યામાં વધારો કરીને ૨૩ મોટી રાઈડસ, ખાણી-પીણીના કુલ ૩૨ સ્ટોલ, રમકડા સહિતની ચીજવસ્તુઓના ૯૪ સ્ટોલ તેમજ દરરોજ સ્ટેજ પર લોકડાયરો, મ્યુઝીકલ નાઈટ, દેશભક્તિના ગીતો સહિતના સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર આર્ટસ કોલેજ ખાતે સૌપ્રથમ વખત યોજાનાર આ લોકમેળામાં પાંચ દિવસ દરમ્યાન અંદાજે ૦૫ લાખથી વધુ મેળારસીકો મેળો માણવા ઉમટી પડશે તેવું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. મેળાના આયોજકો સહિત વ્યવસ્થાને ધ્યાને લઈ મનપાની ટીમો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જ્યારે વઢવાણ રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડમાં ૧૨-મોટી રાઈડસ, ૧૪-નાની બાળકો માટેની રાઈડસ, ૯-આઈસ્ક્રીમ સ્ટોલ, ૮૦-અન્ય સ્ટોલ, ૧૦-લારીવાળા વેપારી, સેલ્ફી પોઈન્ટ, ૨-વોચ ટાવર, દરરોજ અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ મેળાની પણ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.










