![]()
– પ્રતિદિન 100 ખેડૂતોની મગફળી ખરીદી કરાશે
– મુહૂર્તમાં 10 ખેડૂતોને બોલાવાયા : કળમાદ ગામના ખેડૂતની મગફળીની પ્રથમ ખરીદી કરાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુ સાથે આજથી મૂળી એપીએમસી ખાતે પ્રતિમણ રૂા. ૧૪૫૨ના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રતિ મણ મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૧૪૫૨થી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. મુળી સેન્ટર ઉપર અંદાજિત ૪૭૦૦ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આજે, મુહૂર્તમાં, શરૂઆતમાં ૧૦ ખેડૂતોને એપીએમસી દ્વારા જાણ કરીને બોલાવવામાં આવ્યા હતા. કળમાદ ગામના ખેડૂતની મગફળીની પ્રથમ ખરીદી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પ્રતિ દિવસ અંદાજિત ૧૦૦ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે. ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને કોઈપણ જાતની અગવડતા ના પડે તે માટે પૂરતી કાળજી રાખી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સરકારી પહેલથી ખેડૂતોને તેમની મગફળીના સારા ભાવ મળી રહેશે અને તેમને આર્થિક ટેકો પૂરો પાડવામાં આવશે. આમ વ્યવસ્થિત આયોજનને કારણે ખરીદીની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી રીતે પૂર્ણ થશે.
માવઠાના લીધે મગફળીની ક્વૉલિટીમાં બાંધછોડ કરવા અધિકારીઓ સમક્ષ માંગ
હાલ ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ૨૦૦ ગ્રામ મગફળી માંથી ૧૪૦ ગ્રામ દાણા નીકળવા ફરજિયાત છે. માવઠાના કારણે થોડી મગફળી બગડી ગઈ છે. પરિણામે થોડી કરી અને થોડી ક્વોલિટી ખરાબ હોય તો પણ મગફળીની ખરીદી કરી લેવા ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી અને કૃષિ વિભાગના અધિકારીઓ સમક્ષ માંગ કરવામાં આવી છે.
કારીગરોની અછતના લીધે અગવડ પડતા પૂરતા કર્મચારી ઉપલબ્ધ કરવા સૂચના
ટેકાના ભાવે મગફળી ખરીદીનો સુરેન્દ્રનગરના મૂળી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા મહુર્ત કરવા માટે મગફળીનું વેચાણ કરવામાં આવ્યું છે. ત્યારે કારીગરોની અછત હોવાના કારણે થોડી હાલાકીનો સામનો કરવો પડયો હતો. કૃષિ અધિકારી માર્કેટિંગ યાર્ડના હાજર કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી કે, પૂરતા કર્મચારીઓ ઉપલબ્ધ કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય તે પ્રકારની તકેદારી રાખવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.










