![]()
વૈશ્વિક સોનામાં પ્રતિ ઔંસ ૪૦૦૦ ડોલરનો નવો ઈતિહાસ
અમદાવાદ, મુંબઈ : વૈશ્વિક આર્થિક તથા ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા સામે હેજ તરીકે સેફ હેવન એસેટમાં રોકાણકારોની સતત ખરીદીથી બુધવારે વૈશ્વિક સોનાના ભાવ પ્રતિ ઔંસ ૪૦૦૦ ડોલરને પાર કરી નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. આ અહેવાલો પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓ નવી વિક્રમી સપાટીએ પહોંચી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં નવા ઐતિહાસિક ભાવ જોવા મળ્યા છે.
અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૨૫૦૦ ઉછળીને ૧,૨૭,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૨૬,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૪૦૦૦ ઉછળીને ૧,૫૮,૦૦૦ની ટોચે પહોંચ્યા હતા. ઘરઆંગણે બન્ને કિંમતી ધાતુએ સતત નવી રેકોર્ડ સપાટી હાંસલ કરી છે.
અમેરિકામાં સરકારી શટડાઉનને એક સપ્તાહ કરતા પણ વધુ સમય વીતિ ગયો છે ત્યારે તેની પણ અર્થતંત્ર પર અસર પડવાની ચિંતા પ્રવર્તી રહી છે.
શટડાઉનને કારણે મહત્વના સરકારી આંકડા પ્રસિદ્ધ થવામાં ઢીલ થઈ રહી છે, જેને કારણે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત કરાશે કે કેમ તેના સંકેત મળવાના મુશકેલ બની ગયા છે. સોનાની પાછળ વૈશ્વિક ચાંદી, પ્લેટિનમ તથા પેલેડિયમમાં સતત ઉછાળા જોવા મળી રહ્યા છે. અમેરિકામાં ઈન્વેન્ટરી ઘટી હોવાના અહેવાલે વૈશ્વિક ક્રુડ તેલ ૬૬ ડોલરને પાર કરી ગયંે હતું.
મુંબઈ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૧,૨૨,૦૯૮ મુકાતુ હતું. જીએસટી સાથે ભાવ રૂપિયા સવાલાખને પાર કરી રૂપિયા ૧,૨૫,૭૫૮ પહોંચી ગયા હતા.
૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૧,૨૧,૬૦૯ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૫૨,૭૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૫૭,૨૭૧ કવોટ થતા હતા.
વિશ્વ બજારમાં સોનું એક જ દિવસમાં ૬૦ ડોલરથી વધુ વધી મોડી સાંજે પ્રતિ ઔંસ ૪૦૪૫ ડોલર મુકાતુ હતું. ચાંદી પ્રતિ ઔંસ ૪૯.૦૧ ડોલર મુકાતી હતી. અમેરિકામાં સરકારી શટડાઉનને પગલે ઊભી થયેલી અનિશ્ચિતતાએ સોનાની તેજીને વધુ ઈંધણ પૂરુ પાડયું છે. સોનાચાંદી બાદ અન્ય કિંમતી ધાતુમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. પ્લેટિનમ ૩૪ ડોલર ઉછળી ૧૬૬૨ ડોલર જ્યારે પેલેડિયમ ૪૩ ડોલર વધી ૧૩૯૨ ડોલર મુકાતુ હતું.
૩ ઓકટોબરના સમાપ્ત થયેલા સપ્તાહમાં અમેરિકામાં મહત્વના ડિલિવરી મથક ખાતે ડબ્લ્યુટીઆઈનો સ્ટોક ઘટયો હોવાના અહેવાલે ક્રુડ તેલમાં ભાવ ઊંચકાયા હતા અને ભાવ ૬૬ ડોલરને પાર કરી ગયા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૨.૩૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે વધી પ્રતિ બેરલ ૬૬.૦૬ ડોલર મુકાતું હતું.










