![]()
Maharashtra : મહારાષ્ટ્ર સરકારે બુધવારે પ્રાઈવેટ ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકો વર્તમાન 9થી વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારાને મંજૂરી આપી દીધી છે. એક સત્તાવાર નિવેદન પ્રમાણે આ પગલાનો હેતુ રોકાણ આકર્ષિત કરવું, નોકરીઓનું સર્જન કરવું અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાનો છે. કેબિનેટના નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં પ્રાઈવેટ કંપનીઓના વર્કર્સને હવે દસ કલાક કામ કરવું પડશે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સેન્ટ્રલ ટાસ્ક ફોર્સ દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્ર હવે કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં આવા સુધારા પહેલાથી જ લાગુ કરવામાં આવી ચૂક્યા છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આ સુધારો ફેક્ટરી એક્ટ, 1948 અને મહારાષ્ટ્ર દુકાનો અને સ્થાપના (રોજગાર અને સેવા શરતોનું નિયમન) એક્ટ, 2017માં કરવામાં આવશે.
આ સુધારા બાદ ઉદ્યોગોને વધુ માંગ અથવા શ્રમિકોની અછતના સમયમાં વિક્ષેપ વિના કામ કરવાની મંજૂરી આપશે, બીજી તરફ કામદારોને ઓવરટાઈમ માટે યોગ્ય વળતર મળશે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
હવે 9 નહીં પ્રાઇવેટ નોકરી કરતાં લોકોએ 10 કલાક કામ કરવું પડશે
આ સુધારા હેઠળ ઉદ્યોગોમાં દૈનિક કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધારીને 12 કલાક કરવામાં આવશે. બીજી તરફ બ્રેક 5 કલાકના બદલે 6 કલાક પછી મળશે. કાયદેસર ઓવરટાઈમની મર્યાદા પ્રતિ ક્વાર્ટર 125 કલાકથી વધારીને 144 કલાક કરવામાં આવશે અને આ માટે કામદારોની લેખિત સંમતિ ફરજિયાત રહેશે. સાપ્તાહિક કામના કલાકો પણ સાડા 10 કલાકથી વધારીને 12 કલાક કરવામાં આવશે.
આવી જ રીતે સુધારેલા દુકાન અને સ્થાપના અધિનિયમ હેઠળ દૈનિક કામના કલાકો 9થી વધારીને 10 કલાક, ઓવરટાઈમની મર્યાદા 125 થી વધારીને 144 કલાક અને ઈમરજન્સી ડ્યૂટી કલાકો 12 કલાક કરી દેવામાં આવશે. આ ફેરફારો 20 કે તેથી વધુ કામદારોને રોજગારી આપતી સંસ્થાઓને લાગુ પડશે. 20થી ઓછા કામદારોને રોજગારી આપતી સંસ્થાઓને હવે નોંધણી પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં પરંતુ માત્ર સૂચના પ્રક્રિયા હેઠળ અધિકારીઓને જાણ કરવાની રહેશે.
ઓવરટાઈમ માટે બમણું વેતન મળશે
સરકારના મતે આ પગલું વ્યવસાયમાં સુગમતા લાવશે, નવા રોકાણો આકર્ષિત કરશે, રોજગારમાં વધારો થશે અને આ સાથે જ કામદારોના વેતન રક્ષણ અને અધિકારોમાં સુધારો થશે. આમાં ઓવરટાઈમ માટે બમણું વેતન પણ સામેલ છે.
શ્રમ વિભાગે ગત અઠવાડિયે કેબિનેટ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિભાગનું કહેવું છે કે, પ્રસ્તાવિત ફેરફારો ખાસ કરીને મહિલાઓ માટે વધુ આરામદાયક કાર્યકારી વાતાવરણ પૂરું પાડશે અને કર્મચારીઓ અને નોકરીદાતાઓની લાંબા સમયથી ચાલતી ચિંતાઓનું સમાધાન કરશે.










