![]()
વડોદરા,નેશનલ હાઇવે પર દેણા બ્રિજ નજીક બાઇક સવાર દંપતીને પાછળથી આવતી ટેન્કરના ચાલકે ટક્કર મારતા દંપતી રોડ પર ફંગોળાયું હતું. ટેન્કરના પૈંડા પતિ પર ફરી વળતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા તાલુકાના નવગામ નવી નગરીમાં રહેતા ૫૦ વર્ષના શંકરભાઇ જામાભાઇ ચાવડા છૂટક મજૂરી કામ કરે છે. તેમનો પુત્ર સંદિપ હાલોલની એક કંપનીમાં નોકરી કરે છે. જ્યારે પુત્રી ધર્મિષ્ઠાના લગ્ન દુમાડ ખાતે થયા હતા. ગઇકાલે સાંજે પાંચ વાગ્યે શંકરભાઇ અને તેમના પત્ની બાઇક લઇને દુમાડ ગામે ગયા હતા. રાતે નવ વાગ્યે તેઓ દીકરીને મળીને પરત ઘરે આવવા નીકળ્યા હતા. દેણા બ્રિજ ઉતરતા અમદાવાદથી સુરત તરફ જતા રોડ પર પાછળથી આવતી એક ટેન્કરના ચાલકે દંપતીની બાઇકને ટક્કર મારતા બંને રોડ પર ફંગોળાયા હતા. પત્ની ઉછળીને ડિવાઇડર પર પડી હતી. જ્યારે પતિ ઉછળીને રોડ પર પટકાયા હતા. તેમના પર ટેન્કરના તોતિંગ પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ તેઓનું મોત થયું હતું. ટેન્કર ચાલક સ્થળ પર જ હાજર હોઇ હરણી પોલીસે ગુનો દાખલ કરી ટેન્કર ચાલક પ્રગતસિંગ દર્શનસિંગ (રહે.ચચોવાલી ગામ,તા.અમૃતસર, પંજાબ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










