![]()
પોલીસે ચાર ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી દંપતિને પકડીને ગ્રામ્પ પોલીસને હવાલે કરી તપાસ આદરી
હિંમતનગર: હિંમતનગરના આરટીઓ સર્કેલ પાસેથી શ્રમિક પરિવારની બે મહિનાની બાળકીનું શુક્રવારે બાઇક પર આવેલા દંપતી અપહરણ કરીને ફરાર થઇ ગયું હતું. આ મામલે પોલીસે ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. બાદમાં મૂળ ખેડા જિલ્લા અને હાલ હિંમતનગર તાલકામાં રહેતા આ દંપતીને અમદાવાદના વટવા વિસ્તારમાંથી બાળકી સાથે ઝડપી પાડયું હતું.
શહેરના આરટીઓ સર્કલ પર સાઇકલની લારીમાં સુવડાયેલા ત્રણ પૈકી એક બે મહિનાની બાળકીનું અપહરણ કરવાના હેતુથી બાઇક પર આવેલા હિંમતનગરના ગઢા ગામના ફારૂકમિયા ઇશાનમિયા મલેક અને તેની પત્ની શબાના બાનુ મલેક (બન્ને (રહે.ગઢા, તા.હિંમતનગર, મુળ રહે.કતકપુરા, તા.મહેમદાબાદ, જી.ખેડા)એ દંપતીને વાતચીતમાં પરોવી દીધા હતા અને સિફ્તપૂર્વક બે મહિનાની બાળકીનું ઉપાડી અપહરણ કરી દંપતી બાઇક લઇને ભાગી ગયું હતું.બાળકીના પિતાએ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના પગલે જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, ગ્રામ્ય અને બી ડિવિઝનની ચાર ટીમો બનાવીને તપાસ માટે લગાડી દેવામાં આવી હતી. આ ટીમોએ હિંમતનગર સહિત અન્ય સ્થળે લગાવાયેલા સીસીટીવી ફૂટેજની આધારે તપાસ હાથ ધરી હતી. આ દંપતીને અમદાવાદના વટવા વિસ્તારમાંથી બાળકી સાથે પકડી લેવામાં આવ્યું હતું.
બાદમાં એલસીબીની ટીમે હિંમતનગરમાં બાળકી અને દંપતીને લાવ્યા હતા અને ગ્રામ્ય પોલીસને હવાલે દંપતીને કરાયું હતું. દંપતીની પૂછપરછ કરાઇ રહી હતી. બાળકીનું અપહરણ કરવાનો હેતુ શું હતો તેવી વિગતો મેળવવામાં આવી રહી છે. પૂછપરછ બાદ દંપતીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
– દંપતિને સંતાન ન હોવાથી બાળકીનું અપહરણ કર્યુ
એલ.સી.બી.એ અમદાવાદના વટવામાંથી દબોચેલા દંપતી શાહરૂખમીયાં મલેક અને શબાના મલેકે પોલીસની પુછતાછમાં સંતાનમાં કોઈ બાળક ન હોવાથી તેઓ અવાર નવાર હિંમતનગરના આર.ટી.ઓ. નજીક કામ અર્થે આવતા હતા. જયાં ભંગાર વિણવાનું કામ કરતા પરિવારના નાના બાળકને ખુલ્લામાં પડી રહેતુ એકાદ બેવાર જોયા બાદ આ બાળકને લઈ જવાનો પ્લાન ઘડયા બાદ ભંગાર વિણવાની સાયકલની લારી ઉપર સુતેલી બાળકીનું નજર ચુકવી અપહરણ કરી ગયા હતા.










