![]()
વડોદરા : વિવિધ કંપનીના શેરમાં રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેમ જણાવી
૨.૩૧ કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે
અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, અરજદારની
અરજી અગાઉ હાઇકોર્ટે પણ નામંજૂર કરી છે ત્યારે સેશન્સ કોર્ટ દ્વારા આ જામીન અરજી
ગ્રાહ્ય રાખવી ઉચિત જણાતું નથી.
કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૪માં સીઆઇડી સાયબર ક્રાઇમ પોલીસે
રૃા.૨.૩૧ કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો અને તેમાં ઉદય ઓઝા ઉર્ફે ઉદય
રમેશભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી હતી.આ કેસમાં ઉદય ઓઝાએ જામીન અરજી મૂકતા
તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, તપાસ પૂર્ણ થઈ
ગઈ છે અને ચાર્જશીટ રજૂ થઈ જતા આરોપીની કસ્ટડીની જરૃર નથી.
જયારે સરકારી વકીલે
એ.એમ. દેસાઈએ રજૂઆત કરી હતી કે, આરોપીએ રોકાણકારોનો વિશ્વાસ જીતીને છેતરપિંડી
કરવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. જો આરોપીને જામીન આપવામાં આવશે તો તે પુરાવા સાથે
ચેડાં કરશે.









