![]()
વડોદરા : હાથ ઉછીના પેટે લીધેલી રૃા.૯૧ લાખની રકમ પરત ન કરવી પડે તે માટે
શેરખી ગામની સીમમાં વૃદ્ધ બિલ્ડરની હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ
બાળકોની સ્કુલ ફીની વ્યવસ્થા કરવા તેમજ મકાનના રિપેરિંગ માટે ૩૦ દિવસના વચગાળાના
જામીન માગ્યા હતા. ન્યાયાધીશે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીની જામીન અરજી
નામંજૂર કરી હતી.
આ બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતક હરીશભાઇ અમીનના પુત્ર
કરણ અમીને પ્રવીણ માલીવાડ તેમજ અને તેના
ભાઈ ભરત માલીવાલ સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા
પ્રમાણે ફરિયાદીના પિતાએ આરોપીને જમીન ગીરો રાખવા તથા ધંધા માટે કુલ રૃા. ૯૧ લાખ
ઉછીના આપ્યા હતા. આ રકમ પરત ન આપવી પડે તે માટે આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચી
હરેશભાઈનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમની હત્યા કરી નાખી હતી.
પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ હરેશભાઈની લાશને ઇકો ગાડીમાં
બેસાડી પેટ્રોલ છાંટી આખી ગાડી સળગાવી દીધી હતી, જેથી આ ઘટના અકસ્માતમાં
ખપી જાય.આ બનાવમાં આરોપી ભરત જેનુભાઇ માલીવાલએ ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા
તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ એ.એમ. દેસાઈએ દલીલ કરી હતી કે, આ એક અતિ ગંભીર પ્રકારનો ગુનો છે.
આરોપીના બાળકોની ફી માટે તેના સાસરી પક્ષના સભ્યો સક્ષમ છે.
મકાન રિપેરિંગ માટે પણ તેનો બીજો ભાઈ હાજર છે. ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરતા
ચૂકાદામાં નોંધ્યું હતું કે,જામીન માટે દર્શાવેલા કારણો વ્યાજબી જણાતા નથી
અને જો આરોપીને મુક્ત કરવામાં આવે તો તે સાક્ષીઓને ધાકધમકી આપશે તેવી સંભાવના જણાઇ
રહી છે.










