![]()
મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલ ૫૦ ટકા ટેરિફને પરિણામે દેશના નિકાસકારો સામે ઊભા થયેલા પડકારોને હળવા કરવા રિઝર્વ બેન્કે ઓછા મૂલ્યની નિકાસ તથા આયાત માટે પેપરવર્ક તથા ફરજપાલનના બોજ હળવા કરવા સહિતના કેટલાક પગલાં જાહેર કર્યા છે.
આ પગલાંઓમાં મુખ્ય પગલું આઈએફએસસીમાં ભારતીય નિકાસકારોના ફોરેન કરન્સી એકાઉન્ટસમાંથી નાણાંના રિપાટ્રીએશન (ઘરઆંગણેના બેન્ક ખાતામાં મોકલવા) કરવા માટેની સમયમર્યાદા એક મહિનાથી વધારી ત્રણ મહિના કરવામાં આવી છે.
વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં રિઝર્વ બેન્કે ભારતના નિકાસકારોને ભારતની બહાર એક બેન્કમાં ફોરેન કરન્સી એકાઉન્ટસ ખોલવા મંજુરી આપી હતી. નિકાસ પેટે મેળવવાના રહેતા નાણાં પેટે આ છૂટ અપાઈ હતી.
આ ખાતાઓમાં જમા થતા નાણાંનો ઉપયોગ તે આયાત સામે ચૂકવણી કરવા માટે થઈ શકે છે અથવા તો પ્રાપ્ત થવાની તારીખ પછી પડતા મહિનાના અંત સુધીમાં આ રકમને સ્વદેશ ખાતામાં જમા કરાવી દેવાના રહે છે.
સરકારે હવે સમયમર્યાદા હવે એક મહિનાથી વધારી ત્રણ મહિના કરતા ભારતીય નિકાસકારોને આઈએફએસસી બેન્કિંગ યુનિટસમાં ખાતા ખોલાવવા પ્રોત્સાહન મળશે એટલું જ નહી આઈએફએસસીમાં ફોરેકસ લિક્વિડિટીમાં વધારો થશે એમ રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.
મરચંડાઈઝ ટ્રેડ ટ્રાન્ઝકશન્સ માટે ફોરેકસ આઉટલેનો સમયગાળો ચાર મહિનાથી વધારી છ મહિના કરાયો છે.
ઓછા મૂલ્યની આયાત નિકાસ માટેના પેપરવર્ક તથા ફરજપાલન ઘટાડવા રિઝર્વ બેન્કે એકસપોર્ટ ડેટા પ્રોસેસિૅગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ તથા ઈમ્પોર્ટ ડેટા પ્રોસેસિૅગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમમાં રિકન્સિલિએશનની પ્રક્રિયા સરળ બનાવવા નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત ભારતમાં વેપાર હાજરી ઊભી કરનારા નોન-રેસિડેન્ટસ માટેના ફેમા નિયમોને વ્યવહારુ બનાવવાની પણ રિઝર્વ બેન્કે જાહેરાત કરી છે.










