– શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનો પોલીસનો દાવો
– પાર્કિંગમાં ખડકાયેલા વિવિધ ગુનામાં ડીટેઈન કરેલા વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી
આણંદ : બોરસદ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં અચાનક આગ લાગવાથી વિવિધ ગુનામાં જપ્ત કરાયેલા ૨૫ જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા હતા. આગનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી. ત્યારે શોર્ટસર્કિટ થયું હોવાનો પોલીસ દાવો કરી રહી છે.
બોરસદ શહેર પોલીસે પ્રોહિબિશન અને જુગારના ગુનાઓમાં જપ્ત કરેલા વાહનો પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં રાખવામાં આવ્યા હતા. સવારે અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસ મથકમાંથી ધૂમાડો ઉડતો જોઈ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતા બોરસદ ફાયરબ્રિગેડની ટીમે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગામાં બાઈક, મોપેડ અને કાર સહિતના ૨૫ જેટલા વાહનો બળીને ખાક થયા હતા.
પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ડીટેઈન કરેલા વાહનો ખડકી દેવાયા હતા. જપ્ત વાહનો દંડ ભરી છોડાવવામાં આવતા હોય છે. ત્યારે વાહન માલિકો કફોડી હાલતમાં મૂકાયા છે. શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું બોરસદ પોલીસ જણાવી રહી છે. આગની ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.