– સંગ્રહખોરી રોકવા માટે સ્ટોક મર્યાદા સંદર્ભે
– જિલ્લામાં 8 ટીમોએ 34 જેટલા ઘઉંનો વેપાર કરતા વેપારીઓને ત્યાં તપાસ કરી જરૂરી સૂચના આપી
આણંદ : આણંદ જિલ્લાના પુરવઠા વિભાગની ટીમ એવન્યૂ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટ ખાતે ઘઉંના સ્ટોકની લિમિટ બાબતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. પુરવઠાની ૮ ટીમોએ આણંદ જિલ્લામાં ૩૪ જેટલા ઘઉંના હોલસેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સની ત્યાં તપાસ કરાઈ હતી.
સંગ્રહખોરી રોકવા માટે સરકારે ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી છે. ત્યારે આણંદ જિલ્લા પુરવઠા વિભાગે તાલુકા દિઠ ૧ એમ કુલ ૮ ટીમોની રચના કરી આણંદ જિલ્લામાં આવેલા ઘઉંના હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સની આકસ્મિક તપાસણી કરવામાં આવી છે.
જિલ્લા કક્ષાની ટીમે એવન્યુ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટ, ગેલેરીયા મોલની બાજુમાં, કરમસદ, આણંદ ખાતે ઘઉંના સ્ટોક બાબતે તેમના દ્વારા ઓનલાઇન બતાવવામાં આવેલા સ્ટોક અને આકસ્મિક તપાસ કરતા ફિઝિકલ સ્ટોક બરાબર માલુમ પડેલો છે. ઉપરાંત તાલુકા કક્ષાની ટીમો દ્વારા આણંદ જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે ૩૪ જેટલા ઘઉંના હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સની આકસ્મિક તપાસણી કરવામાં આવી છે. આ તપાસણી દરમિયાન હોલસેલર્સ દ્વારા ઓનલાઇન જે સ્ટોક બતાવવામાં આવ્યો હતો જેનું ફિઝિકલ વેરિફિકેશન કરતા બરાબર માલુમ પડેલું હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે. ભારત સરકાર દ્વારા ઘઉં પર દાખલ કરવામાં આવેલ સ્ટોક લીમીટના અનુસંઘાને આણંદ જિલ્લામાં આવેલ હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સને ભારત સરકારના પોર્ટલ ૫ર રજીસ્ટ્રેશન કરાવવા તથા રજીસ્ટ્રેશન કરાવેલ વેપારીઓને દર શુક્રવારે સ્ટોકની વિગતો દાખલ કરવા સૂચના અપાઈ છે.