– પતિએ પત્નીને લાફો માર્યો, પિયર જવાનું કહેતા ધમકી આપી
– ઘર કામ બાબતે પતિ,સાસુ અને સસરા મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા
ભાવનગર : ભાવનગરમાં પિયર ધરાવતી અને ઉમરાળા બજૂડ ગામે સાસરૂં ધરાવતી પરિણીતાએ સાસુ સસરા અને પતિના ત્રાસથી કંટાળી એસિડ ગટગટાવી લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
ઉમરાળા તાલુકાના બજુડ ગામે સાસરૂં ધરાવતા અને ભાવનગરના ચિત્રા ખાતે આવેલ આવાસ યોજના ખાતે રહેતા નીતાબેનના લગ્ન ૧૩ વર્ષ પહેલા ભરતભાઈ પ્રેમજીભાઈ રાઠોડ સાથે થયા હતા.ગત તા. ૧૯ના રોજ પરણિતાના દેરાણી વંદના બેનને ગઢાળી લગ્નમાં જવાનું હોય સાસુ કાંતુબેન પ્રેમજીભાઈ રાઠોડે તેમને લગ્નમાં જવાની ના પાડી હતી. દરમિયાનમાં પરણીતાએ દેરાણીને લગ્નમાં જવાનું કહેતાં સાસુ કાંચુબેન અને સસરા પ્રેમજીભાઈ રાઠોડ ઉશ્કેરાઈ ગયા હતા અને પરિણીતાને ગાળો આપી ઝઘડો કર્યો હતો.તેમજ સાંજના સમયે પતિ ભરત ઘરે આવ્યા ત્યારે સાસુ સાસરાએ ચડામણી કરતાં પતિએ પરિણીતાને ગાળો આપી લાફો મારી દિધો હતો. અને બીજા દિવસે પરિણીતાએ પતિને પિયર મુકી જવાનું કહેતા સસરાએ ડેલી બહલ નીકળી તો તારા ટાંટિયા ભાંગી નાખીશ તેવી પરિણીતાને ધમકી આપી હતી.ઉપરાંત, સાસુ સસરા અને પતિ દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસથી કંટાળી પરિણીતા નીતાબેને ઘરમાં પડેલું એસિડ ગટગટાવી લીધું હતું.તેમની તબિયત લથડતા સારવારાર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે, બનાવ સંદર્ભે નીતાબેને પતિ,સાસુ અને સસરા વિરૂધ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ ઘરેલું હિંસા સહિતની કલમ અન્વયે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.