Morbi News: મોરબીમાં ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી. જેને લઈને આજે (14મી જુલાઈ) ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. તો બીજી તરફ કોંગ્રેસે બિસ્માર રોડ રસ્તા જેવા પ્રજાના પાયાના પ્રશ્નોને લઈને મોરબી મહાપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો. પરંતુ મહાપાલિકાનો ગેટ બંધ કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિત કોગ્રેસના કાર્યકરોને મહાપાલિકા કચેરીમાં પ્રવેશી શક્યા ન હતા.
ડેપ્યુટી કમિશનરે કોંગ્રેસ આગેવાનો સાથે વાતચીત કરી
મળતી માહિતી અનુસાર, પાયાના પ્રશ્નોને લઈને મોરબી મહાપાલિકાનો કોંગ્રેસે ઘેરાવ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાપાલિકાનો ગેટ બંધ કરી દેતા કોંગ્રેસના કાર્યકરોએ ગેટની બહારથી વિરોધ ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ કચેરી બહાર આવીને કોંગ્રેસ આગેવાનો સાથે વાતચીત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આ પણ વાંચો: ‘અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું…’, મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યાં
ડેપ્યુટી કમિશનરે કોંગ્રેસના 25 આગેવાનોને મ્યુનિસિપલ કમિશનરને મળવા જવા દેવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે કોંગ્રસે સ્વીકારી 25 આગેવાનો મ્યુનિસિપલ કમિશનરને મળવા પહોંચ્યા હતા. બાદમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ શહેરના ખરાબ રોડ, પાણી નિકાલની વ્યવસ્થા સહિતના પ્રશ્નો અંગે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.
રાજીનામાના નાટકનું સૂરસૂરિયું
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો છે. ત્યારે કાંતિ અમૃતિયા 100 જેટલી ગાડીઓ લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલીયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભાથી નીકળી ગયા હતા. આ ઘટનાક્રમને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિધાનસભા પહોંચ્યા હતા. અંતે રાજીનામાના નાટકનો અંત થયો હતો.