Tesla Will Open First Showroom In India: વિશ્વના અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્ક અંતે ભારતમાં પોતાની ઈવી કાર લાવવાનું સપનું પૂરુ કરવા જઈ રહ્યા છે. આવતીકાલે 15 જુલાઈના રોજ ટોચની ઈવી કાર મેકર ટેસ્લા પોતાનો પ્રથમ શોરૂમ લોન્ચ કરશે. મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ટેસ્લા પોતાનો એક્સપિરિયન્સ સેન્ટર તરીકે ઓળખાતો પ્રથમ શોરૂમનું ઉદ્ધાટન કરશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ વચ્ચે ટેસ્લાની ભારતમાં એન્ટ્રીથી ટ્રમ્પ અને મસ્ક વચ્ચે વિવાદ વધારી શકે છે.
ઈવી પોલિસી મુદ્દે અનેક પડકારો બાદ અંતે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી થવા જઈ રહી છે, શોરૂમના ઉદ્ધાટનમાં ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક આવવાના છે કે નહીં તેની હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. ટેસ્લા કે ઈલોન મસ્કે પોતે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે, મીડિયામાં અટકળો વહેતી થઈ છે કે, ઈલોન મસ્ક આવતીકાલે ભારતમાં પ્રવેશની સૌથી મોટી સફળતાના અવસર પર હાજર રહેશે. આ સાથે ટેસ્લા પોતાનું એસયુવી મોડલ Y RWD વેરિયન્ટ લોન્ચ કરશે. જેની શાંઘાઈ ફેક્ટરીમાંથી આયાત થશે.
બીજો શોરૂમ પણ શરૂ કરવાની તૈયારીમાં
અમેરિકાની ઈવી મેન્યુફેક્ચરર ટેસ્લા મુંબઈના બાન્દ્રામાં પોતાનો પ્રથમ એક્સપિરિયન્સ સેન્ટર શોરૂમ શરૂ કર્યા બાદ દિલ્હીમાં એરોસિટી ખાતે બીજો શોરૂમ ખોલવાની તૈયારી કરી રહી છે. જુલાઈના અંત સુધીમાં દિલ્હીમાં પણ શોરૂમ શરૂ થવાની શક્યતા છે. ભારતમાં ટેસ્લા પોતાના એસયુવી મોડલ Y સાથે પ્રવેશ કરશે. તેનું ફેસલિફ્ટ વર્ઝન ભારતમાં મળવાનું શરૂ થશે. આ મોડલનું મુંબઈ અને પુણેમાં અનેકવખત ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.
ટેસ્લા Y મોડલની કિંમત
ટેસ્લાનું Y મોડલ 15.4 ઈંચ ઈન્ફોટેનમેન્ટ સ્ક્રિન સાથે સજ્જ છે. જેમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પેનોરેમિક મુન રૂફ, એલઈડી હેડલેમ્પ્સ, ટેઈલ લેમ્પ્સ, અને અન્ય ઘણા વિશિષ્ઠ ફીચર્સ ઉપલબ્ધ છે. જેની ભારતમાં અંદાજે કિંમત રૂ. 65થી 75 લાખ આસપાસ (એક્સ શોરૂમ) રહેવાની શક્યતા છે.