– 1,23,000 ડોલરની નજીક પહોંચવા સાથે બિટકોઈનમાં જોરદાર તેજીની આગેકૂચ
– સામાન્ય રીતે ઈક્વિટીસ તથા બોન્ડસ જેવી નાણાંકીય એસેટસને પ્રોડકટિવ ગણવામાં આવે છે જ્યારે સોનાચાંદી કે બિટકોઈન અનપ્રોડકટિવ જોખમી એસેટસ તરીકે જોવામાં આવે છે
મુંબઈ : સપ્તાહના પ્રથમ દિવસે ૧૨૩૦૦૦ ડોલરની નજીક પહોંચી મુખ્ય ક્રિપ્ટોકરન્સી બિટકોઈને નવી વિક્રમી સપાટી પાર કરી છે. વર્તમાન ૨૦૨૫ના કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં દરેક એસેટસમાં ૩૦ ટકા સાથે બિટકોઈન સૌથી ઊંચું વળતર પૂરુ પાડનારી એસેટસ બની રહી છે. વર્તમાન વર્ષમાં ગોલ્ડમાં રોકાણકારોને ૨૭ ટકા વળતર મળી રહ્યું હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
અમેરિકામાં વધી રહેલી ખાધ, ટેરિફ મુદ્દે અનિશ્ચિતતા , ભૌગોલિકરાજકીય તાણ તથા ડોલરમાં નબળાઈને ધ્યાનમાં રાખી રોકાણકારો ગોલ્ડ તથા બિટકોઈન જેવી સેફ હેવન એસેટસ તરફ વળી રહ્યા છે. ગયા સપ્તાહના અંતે ૧૧૯૫૦૦ ડોલરની નવી સપાટી દર્શાવ્યા બાદ બિટકોઈનમાં સપ્તાહના પ્રથમ દિવસે આગેકૂચ જારી રહી હતી. વિશ્લેષકોની વાત માનીએ તો સોના તથા બિટકોઈનમાં હાલની તેજી રોકાણકારોને અર્થતંત્રમાં વિશ્વાસ કરતા કટોકટીની સ્થિતિના સંકેત આપી રહી છે. સામાન્ય રીતે ઈક્વિટીસ તથા બોન્ડસ જેવી નાણાંકીય એસેટસને પ્રોડકટિવ ગણવામાં આવે છે જ્યારે સોનાચાંદી કે બિટકોઈન અનપ્રોડકટિવ જોખમી એસેટસ તરીકે જોવામાં આવે છે. અમેરિકામાં ૩ જુલાઈના જ્યારથી બિગ બ્યૂટિફૂલ બિલ પસાર થયું છે ત્યારથી બિટકોઈનમાં ૧૫૦૦૦ ડોલરની રેલી જોવા મળી છે. બીજી બાજુ ડોલર ઈન્ડેકસ છેલ્લા મહિનામાં ૧૧ ટકા જેટલો ઘટી ગયો છે. આજ ગાળામાં ટેરિફ મુદ્દે અનિશ્ચિતતા, મધ્યપૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ તથા અમેરિકામાં મેમાં બજેટ ખાધ વધીને ૩૧૬ અબજ ડોલરની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઊંચામાં ૧૨૨૮૭૩ ડોલર અને નીચામાં ૧૧૭૭૧૭ ડોલર થઈ ંમોડી સાંજે ૧૨૨૦૭૦ ડોલર બોલાતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ એથરમ, સોલાના, એકસઆરપી વગેરેમાં પણ રેલી જોવા મળી હતી. અમેરિકામાં સોમવારથી ક્રિપ્ટો સપ્તાહનો પ્રારંભ થયો છે જેમાં ટ્રમ્પના ક્રિપ્ટો તરફી એજન્ડાને આગળ ધપાવાશે તેવી ધારણાંએ ક્રિપ્ટો માર્કેટમાં રેલી જોવા મળી છે એમ સિફડેકના ચેરમેન હીમાંશુ મરેડિયાએ મત વ્યકત કર્યો હતો.
ઈટીએફમાં મજબૂત ઈન્ફલોને પરિણામે એથરમે ૩૦૦૦ ડોલરની સપાટી પાર કરી હતી. ક્રિપ્ટો માર્કેટને લઈને ટ્રમ્પ વહીવટીતંત્ર પોઝિટિવ નીતિ તૈયાર કરી રહ્યું હોવાના અહેવાલે પણ ભાવને ટેકો આપ્યો છે.