Income Tax Return Deadline: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ આકરણી વર્ષ 2025-26 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 જુલાઈથી લંબાવી 15 સપ્ટેમ્બર કરી છે. સીબીડીટીએ ડેડલાઈન લંબાવવા પાછળનું કારણ કરદાતાઓને ફાઈલિંગ અનુભવ સરળ અને અનુકૂળ બનાવવા માટે છે.
આવકવેરા અધિનિયમની કલમ 234 (A) મુજબ, આઈટીઆર ફાઈલ કર્યું હોય અને અંતિમ તારીખ સુધીમાં કોઈપણ સેલ્ફ-અસેસમેન્ટ ટેક્સ ચૂકવવાનો બાકી હોય તો તેમણે કોઈ વ્યાજ ચૂકવવાનું થતુ નથી. નવી ડેડલાઈન મળતાં તેઓ વ્યાજ કે પેનલ્ટી વિના આઈટીઆર ફાઈલ કરી શકે છે.
વિવિધ કેટેગરી માટે આઈટીઆર ડેડલાઈન
- વ્યક્તિગત, HUF,AOPs, BOIs માટે ઓડિટિંગની જરૂર ન હોવાથી તેઓ 15 સપ્ટેમ્બર, 2025 સુધી આઈટીઆર ફાઈલિંગ કરી શકે છે.
- બિઝનેસમેનના ઈનકમ ટેક્સ રિટર્ન માટે ઓડિટની જરૂર હોવાથી તેમના માટે આઈટીઆર ડેડલાઈન 31 ઓક્ટોબર, 2025 છે.
- પ્રાઈસિંગ રિપોર્ટ (આંતરરાષ્ટ્રીય અને ચોક્કસ સ્થાનિક ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં) ટ્રાન્સફર કરવાની જરૂર ધરાવતા બિઝનેસના આઈટીઆર ફાઈલિંગ 30 નવેમ્બર, 2025 સુધી કરી શકાશે.
- રિવાઝ્ડ તથા બિલેટેડ રિટર્નના કિસ્સામાં ડેડલાઈન 31 ડિસેમ્બર, 2025 છે.
ડેડલાઈનમાં ફેરફાર પાછળનું કારણ
આ વર્ષે આઈટીઆર ફોર્મમાં નવી ટેક્સ પ્રણાલીની માહિતી ઉમેરવામાં આવી છે. જેથી આવકવેરા વિભાગે કરદાતાઓને અગવડ ન પડે તે હેતુ સાથે ડેડલાઈન લંબાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં ફોર્મમાં પણ અનેક ફેરફારો કરવામાં આવ્યા હોવાથી કરદતાઓને ટેક્સ ફાઈલિંગ સિસ્ટમ સમજવા માટે સમય મળી રહેશે.
જો ડેડલાઈન ચૂક્યા તો…
જે કરદાતાઓ નવી લંબાવવામાં આવેલી ડેડલાઈન ચૂકી જશે તેઓને આવકવેરા અધિનિયમની કલમ 139 (8A) હેઠળ અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની તક મળશે. નવા ફેરફારો મુજબ કરદાતા હવે 24 મહિનાના બદલે 48 મહિનાનું આઈટીઆર ફાઈલ કરી શકે છે. જો કે, તેમણે વધારાનો 60 અને 70 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે.
આઈટીઆરમાં વિલંબથી થશે પેનલ્ટી
આવકવેરા અધિનિયમની કલમ 234 (A) અનુસાર ,જો આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવેલી ડેડલાઈનની અંદર આઈટીઆર ફાઈલ કરવામાં ન આવે તો પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે. જેમાં બાકી ટેક્સની રકમ પર દરમહિને 1 ટકાના લેખે વ્યાજ ચૂકવવુ પડશે. તેમજ મોડા આઈટીઆર ફાઈલ કરવા બદલ જો આવક રૂ. 5 લાખથી વધુ હોય તો લેટ ફી પેટે રૂ. 5000 અને રૂ. 5 લાખથી ઓછી હોય તો રૂ. 1000 લેટ ફી ચૂકવવી પડશે.