ગાંધીનગર નજીક ભાટ સાબરમતી નદીમાં
અંતિમ ચિઠ્ઠીને આધારે પુત્રએ વ્યાજખોરો સામે ફરિયાદ આપી હતી ઃ ગાંધીનગર ડિસ્ટ્રીક કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ભાટ પાસે સાબરમતી નદીમાં વ્યાજખોરોના
ત્રાસથી ચિઠ્ઠી લખીને આપઘાત કરી લીધો હતો અને જે કેસ ગાંધીનગર પ્રિન્સિપાલ
ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોના
ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા ચાર વ્યાજખોરોને પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં
આવી છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે રૃપેશભાઈ મહેશભાઈ ડાંગીના પિતા
મહેશભાઈ ડાંગીએ કવિતાબેન હરેશભાઈ તુષેકર પાસેથી પાંચ ટકા વ્યાજે રૃ. ૭૦,૦૦૦/- લીધા હતા.
મહેશભાઈ ડાંગીએ બેંકમાંથી લોન લઈને કવિતાબેનને પૈસા પરત કર્યા હતા પરંતુ સંજય
છારાએ આ રકમ કવિતાબેનને આપવાને બદલે પોતે વાપરી નાખી હતી. જેના કારણે કવિતાબેનના
પુત્ર ઉર્વેશ હરેશભાઈ તુષેકરે મહેશભાઈ ડાંગી પાસે પૈસા બાકી હોવાનું નોટરાઇઝ લખાણ
કરાવી લીધું હતું. આ ઉપરાંત અશોક ભૂરાજી રાણાના પિતાએ પણ મહેશભાઈને માસિક સાડા ચાર
ટકા વ્યાજે એક લાખ રૃપિયા આપ્યા હતા. મહેશભાઈની નોકરી છૂટી જતાં તેઓ આ રકમ પરત
ચૂકવી શક્યા ન હતા. આ વ્યાજખોરો દ્વારા રૃપિયા વસૂલવા માટે મહેશભાઈને ત્રાસ
આપવામાં આવતો હતો જેના પગલે કંટાળીને તેમણે ગત નવેમ્બર ૨૦૨૧માં સાબરમતી નદીમાં
ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો અને તે પહેલાં તેમણે અંતિમ ચિઠ્ઠી પણ નદી લખી હતી.
જેના આધારે ઇન્ફોસિટી પોલીસ મથકમાં કવિતાબેન હરેશભાઈ તુષેકર, તેમનો પુત્ર
ઉર્વેશ હરેશભાઈ તુષેકર બંને રહે. એ/૩૫,
સંતોષીનગર, કેતન
સોસાયટીની પાછળ, કુબેરનગર, સંજય રોહિતભાઈ
છારા રહે. સંતોષીનગરના છાપરામાં,
કુબેરનગર અને અશોક ભૂરાજી રાણા રહે. સેક્ટર-૩/સી/૦૮, નંદીગ્રામ
સોસાયટી, નોબલ નગર, અમદાવાદ સામે
આપઘાતના ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ
એન્ડ સેશન્સ જજશ્રી એચ.આઈ. ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં સરકારી વકીલ જીગ્નેશ
જોષીએ દસ્તાવેજો રજૂ કર્યા હતા અને કેસના મહત્વના સાક્ષીઓની જુબાની લીધી હતી.
મૃતકના હસ્તાક્ષરનો એફએસએલ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો અને દલીલ કરી હતી કે, આરોપીઓને સખતમાં
સખત સજા થવી જોઈએ. જેના પગલે કોર્ટે પાંચ વર્ષની સખત કેદ અને ૨૫ હજાર રૃપિયાનો દંડ
ભરવા હુકમ કર્યો હતો.