– 1લી ઓગસ્ટ સુધીમાં ડયૂટીના દર ઘટવાની ટ્રેડરોને અપેક્ષા
મુંબઈ : અમેરિકા ખાતેથી આયાત થતા બદામ સહિતના અન્ય ડ્રાયફ્રુટસની ડિલિવરી લેવામાં ભારતના આયાતકારો હાથે કરીને ઢીલ કરી રહ્યા હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ચાલી રહેલી વેપાર વાટાઘાટમાં અમેરિકા ખાતેથી આવતી બદામ સહિતના કેટલાક ડ્રાયફ્રુટસ પર ડયૂટીમાં ભારત ઘટાડો કરશે તેવી અપેક્ષાએ આયાતકારો ડિલિવરી લેવાનું ટાળી રહ્યા છે.ટ્રેડરો નવા ઓર્ડરો આપવાનું પણ હાલમાં ટાળી રહ્યા છે. અન્ય દેશોની સરખામણીએ ભારત સૌથી વધુ આયાત ડયૂટી વસૂલતું હોવાની અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સતત દલીલ કરી રહ્યા છે. ટેરિફ લાગુ કરવાની મુદત જે અગાઉ ૯ જુલાઈ હતી તે લંબાવીને ટ્રમ્પે ૧લી ઓગસ્ટ કરી છે ત્યારે આ તારીખ સુધીમાં ટેરિફ અંગે સ્પષ્ટતા આવી જશે એમ એક ટ્રેડરે જણાવ્યું હતું.
ભારત તથા અમેરિકા વચ્ચે દ્વીપક્ષી વેપાર કરાર માટે બન્ને દેશો વચ્ચે વર્તમાન સપ્તાહના પ્રારંભથી ફરી વાટાઘાટ શરૂ થઈ છે. વાટાઘાટનું હકારાત્મક પરિણામ આવે અને આયાત ડયૂટીમાં ઘટાડો થાય તો આયાત ડયૂટીમાં મોટી બચત થવાની ટ્રેડરો ગણતરી મૂકી રહ્યા છે.
ડ્રાયફ્રુટસની આયાત પર વસૂલવામાં આવતી ડયૂટીમાં ૪૦થી ૫૦ ટકા જેટલો ઘટાડો થવાની ટ્રેડરો અપેક્ષા રાખી રહ્યા છે. આયાતકારો દ્વારા કસ્ટમ્સ ક્લિઅરન્સમાં ઢીલને જોતા આવનારી તહેવારોની મોસમમાં દેશમાં ડ્રાયફ્રુટસની અછત જોવા મળવાની શકયતા નકારાતી નથી. પાકિસ્તાન સાથેના વિવાદ બાદ વેપાર વ્યવહાર માટે પાકિસ્તાન સાથેની સરહદો બંધ કરી દેવાતા અફઘાનિસ્તાન ખાતેથી ભારતમાં આયાત થતા ડ્રાયફ્રુટસનો આમપણ ખોરવાઈ ગયો છે.
અમેરિકા ખાતેથી ભારત મુખ્યત્વે બદામ અને અખરોટની આયાત કરે છે. ૨૦૩૦ સુધીમાં ભારતની ડ્રાય ફ્રુટસ બજારનું કદ વધી ૧૨૪.૧૬ કરોડ ડોલર પર પહોંચવાની ધારણાં છે.
દેશમાં બદામ તથા અખરોટની મોટાભાગની માગ આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે.