Surat: સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સિક્યુરિટી ગાર્ડ કોન્ટ્રાક્ટમાં પાલિકા સાથે છેતરપિંડી કરતા એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે, આ એજન્સીએ પાલિકાનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મેળવવા માટે પાલિકા અને શ્રમ વિભાગમાં પણ બોગસ દસ્તાવેજ કર્યા હોવાની ફરિયાદ થઈ હતી.
પાલિકાનો સિક્યુરિટી મલાઈદાર કોન્ટ્રાક્ટ મેળવવા માટે એક બે નહી પરંતુ ત્રણ ત્રણ એજન્સીએ બોગસ પુરાવા રજુ કર્યા હોવાની ફરિયાદ થઈ હતી. જેમાં શિક્ષણ સમિતિએ એક ગાર્ડ હોવા છતાં ત્રણ ગાર્ડનો પગાર લેતા હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરી છે તે શક્તિ સિક્યુરિટી એજન્સીનો પણ સમાવેશ થાય છે.
આ પહેલા પાલિકાના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મેળવવા શક્તિ સિક્યુરિટીએ સરકારના શ્રમ વિભાગ અને પાલિકાના બોગસ પુરાવા રજૂ કર્યા હતા. અન્ય એજન્સીએ ફરિયાદ કરતાં પાલિકાએ તપાસ કરતાં આ પુરાવા બોગસ હોવાનું બહાર આવ્યું હતું.