Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન રોડ પર પડતા ખાડા અને રોડ તૂટવાના કારણે રીપેરીંગ માટે ડામરનો મિક્સ માલનો વપરાશ વધી જાય છે. કોર્પોરેશન ડામરના મિક્સ મટીરીયલની ડિમાન્ડને જોઈ દરેક ઝોનમાં હોટ એન્ડ કોલ્ડ મિક્સ મટીરીયલ બનાવવાનો પ્લાન્ટ ઉભો કરશે.
હાલ કોર્પોરેશન પાસે પશ્ચિમ ઝોનમાં તેનો એક પ્લાન્ટ છે હવે પૂર્વ ઝોનમાં પણ તે શરૂ કરવામાં આવનાર છે, અને ભવિષ્યમાં બીજા ઝોનમાં પણ આવા પ્લાન્ટ ઊભા કરી દેવાશે. જેથી કરીને રોડ રસ્તા રીપેરીંગ માટે ડામરના મિક્સ મટીરીયલ માલની ઘટ રહે નહીં. હજુ તાજેતરમાં જ અટલાદરા સ્થિત રોડ શાખા હસ્તકના ડ્રમ મિક્ષ પ્લાન્ટના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે જરૂરી સ્ટાફ સાથે 3 વર્ષ માટેનો ઇજારો કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. પાલિકાના હદ વિસ્તારમાં રોડ રસ્તાનુ સમારકામ, પેચવર્ક તેમજ નવીન રોડની કામગીરી પાલિકાના રોડ શાખા દ્વારા કરવામાં આવે છે. જે માટે મિક્સ માલની જરૂરીયાત રહેતી હોય છે. મિક્સ માલ અટલાદરા સ્થિત ડ્રમ મિક્સ પ્લાન્ટ દ્વારા બનાવવામાં આવે છે. પાલિકાના ચારેય ઝોનની મિક્સ માલની જરૂરીયાતને પહોંચી વળવા આ પ્લાન્ટ પર ભારણ રહેતું હોય છે. ઘણી વખત માલ પણ સમયસર મળી શકતો નથી. રોજિંદા પેચવર્ક ઉપરાંત ગત વર્ષ ચોમાસામાં આવેલ ભારે વરસાદ અને પુરને લઇ, તેમજ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનની વડોદરાની મુલાકાત દરમ્યાન રોડ રસ્તા રીપેરીંગની કામગીરી માટે પ્લાન્ટ સતત ચાલુ રાખી દિવસ-રાત પેચવર્કની કામગીરી કરવાનો વારો આવ્યો હતો.