Amreli News: ગંભીરા પુલ દુર્ઘટના બાદ પણ તંત્ર આંધળું હોય તેવા દૃશ્યો અમરેલીના બાબરામાં જોવા મળ્યા છે. છેલ્લા બે વર્ષથી પુલ ઉપર ગાબડાં પડી જતાં લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે. જેના કારણે વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે, અવાર નવાર અહીં અકસ્માતો સર્જાય છે. વાહનોના ટાયર ફાટી જાય છે છતાં પણ આ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગવાનું નામ લેતું નથી.
અમરેલીથી રાજકોટ નેશનલ હાઇવે 351-G ઉપર આવેલા બાબરા તાલુકાના ભોલા અને ભીલડી ગામ પાસે આ પુલ આવેલો છે. લોકોના જણાવ્યા પ્રમાણે આ પુલ આશરે સાતેક વર્ષ પહેલા બન્યો છે. છેલ્લા બે વર્ષથી અહીં મસમોટા ગાબડા પડી ગયા છે અને લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. સળિયા બહાર આવવાના કારણે અવાર નવાર અહીં વાહનોના ટાયર ફાટી જવાના બનાવો બનતા રહે છે.
આ ઉપરાંત બાઇક ચાલકોના બાઇક ખાડામાં આવતાં જ અકસ્માત થઈ રહ્યા છે, અમરેલીથી રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ હોવાના અને અમરેલી જિલ્લાનું સેન્ટર હોવાના કારણે બાબરાથી અમરેલી પણ અધિકારીઓ તેમજ રાજનેતાઓ આજ રસ્તાનો ઉપયોગ કરે છે. છતાં પણ આવા જર્જરિત થયેલા પુલને બેધ્યાન કરીને આંખ આડા કાન કરતાં હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકો દ્વારા તાત્કાલિક આ રોડ ઉપર આવેલા આવા પુલો રિપેરિંગ કરવાની માંગ કરી રહ્યા છે.