કોર્પોરેશનની સભા ગંભીરા બ્રિજના મૃતકો અને પૂર્વ કાઉન્સિલરના માનમાં બે મિનિટનું મૌન સાથે શ્રદ્ધાંજલિ અર્પી શોકદર્શક ઠરાવ પસાર કરી મુલતવી રાખતા વિપક્ષે ખાડાના કારણે મોતને ભેટેલ યુવકના માનમાં પણ શોકદર્શક ઠરાવની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.
કોર્પોરેશનની સભા ગંભીરા બ્રિજના મૃતકો અને પૂર્વ કાઉન્સિલરના નિધનના પગલે શોકદર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી હતી. સભામાં સત્તાપક્ષ વિપક્ષનું ન સાંભળી મનસ્વી નિર્ણય કરતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષના સાતેય કાઉન્સિલર કાળા કપડા પહેરી સભામાં હાજર રહ્યા હતા. વિપક્ષના કાઉન્સિલરોનું કહેવું હતું કે, નગરજનોને ભરપૂર સમસ્યા હોય પ્રતિદિન મોરચા કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચી રહ્યા હોય લોકો માટે પ્રવેશબંધી લગાવી છે, સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ વડોદરા પાછળ ધકેલાયું છે, નાગરિકોએ જાગવાની જરૂર છે, સભામાં સત્તાપક્ષ વિપક્ષનું સાંભળતા નથી, સ્મશાન ચલાવી નથી શકતા તે કોર્પોરેશન કેવી રીતે ચલાવશે ?, સ્થાયી સમિતિમાં નિયમ નેવે મૂકી નિર્ણય થઈ રહ્યા છે, કોર્પોરેશન કચેરીને તાળાબંધી કરી નાગરિકોને બાનમાં લીધા છે, તાળાબંધી કરી કોર્પોરેશનને પણ ડાઘ લગાડ્યો છે, શહેરમાં ખાડા ,પાણી, ડ્રેનેજ, વરસાદી પાણીનો ભરાવો સહિતની સમસ્યાઓની ભરમાર હોય અતિ દુર્દશા છે.