કોંગ્રેસ કાર્યકર્તા તથા સામાજિક કાર્યકર્તાઓ પ્રાથમિક સુવિધામાં નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર જેવી અલગ અલગ કેટેગરીના એવોર્ડ મેયરને આપવા માટે પહોંચતા પોલીસે 30થી વધુ લોકોની અટકાયત કરી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ, ટીમ વડોદરા તથા સમાજિક કાર્યકર્તાઓ આજે પ્રાથમિક સુવિધાના સહિતના પ્રશ્નો અંગે રજૂઆત હેતુ પહોંચતા સમગ્ર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. કચેરીના દરવાજા બંધ કરાતા મામલો ઉગ્ર બન્યો હતો. કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યકર્તાઓ ખાડોદરા કિર્તિમાન એવોર્ડ, વિકાસ વિમુખ વિજેતા, સહિતના અલગ અલગ કેટેગરીના એવોર્ડ મેયરને આપવા માટે પહોંચ્યા હતા. તેવી જ રીતે ટીમ વડોદરા પણ મેયરને વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર , સ્મશાન ભ્રષ્ટાચાર સહિતની અલગ અલગ કેટેગરીના એવોર્ડ આપવા માટે પહોંચ્યા હતા. જો કે, કચેરીમાં પ્રવેશને લઈ હોબાળા મામલે નવાપુરા પોલીસે કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ, કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ, કમલેશ પરમાર સહિત 30થી વધુની અટકાયત કરી હતી.