મુંબઈ : સ્ટીલ તથા એલ્યુમિનિયમ પર ઊંચા ટેરિફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણય બાદ હવે યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) દ્વારા સ્ટીલની આયાત પર નિયમન લાવવાની દરખાસ્તથી ભારતના સ્ટીલ ઉદ્યોગ સામે વધુ એક પડકાર જોવાઈ રહ્યો છે જ્યારે આ દરખાસ્તની મોટી પ્રતિકૂળ અસર નહીં પડે તેવો સરકાર દાવો કરી રહી છે.
ઘરઆંગણે સ્ટીલની માગ મજબૂત હોવાથી યુરોપની આ દરખાસ્તથી ભારતના સ્ટીલ ઉદ્યોગને ફટકો નહીં પડે એમ વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
યુરોપમાં સ્ટીલની વધી રહેલી આયાતને કારણે તેના સ્ટીલ ઉદ્યોેગ પર આવેલા દબાણને ધ્યાનમાં રાખી યુરોપિયન કમિશને એપ્રિલથી સ્ટીલ આયાત ધોરણો સખત બનાવવાની જાહેરાત કરી છે.
૨૭ દેશોના બનેલા યુરોપિયન યુનિયને આયાત કવોટા ઘટાડવાનું નક્કી કર્યું છે જેથી ટેકસ ફ્રી સ્ટીલની આયાત મર્યાદિત માત્રામાં થઈ શકે.
યુરોપની દરખાસ્તથી થોડીઘણી અસર થશે પરંતુ ભારતમાં સ્ટીલનો વપરાશ એટલો ઝડપથી થઈ રહ્યો છે કે ઉદ્યોગો તેને ગ્રહણ કરી શકશે. ભારતના ટોચના સ્ટીલ નિકાસ મથકોમાં યુરોપનો પણ સમાવેશ થાય છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં યુરોપમાં ભારતે ૨૦.૩૦ લાખ ટન સ્ટીલની નિકાસ કરી છે, જે દેશમાંથી સ્ટીલની કુલ નિકાસના ૪૬ ટકા હતી.
ઘરઆંગણે સ્ટીલના થતા વપરાશની સરખામણીએ ભારતનો સ્ટીલ નિકાસ આંક ઘણો જ ઓછો છે.
ગયા નાણાં વર્ષમાં ભારતની સ્ટીલ નિકાસ આંક ૭૫ લાખ ટન રહ્યો હતો જ્યારે ઘરઆંગણે સ્ટીલનો વપરાશ ૧૩.૬૦ કરોડ ટન રહ્યો હતો. સ્ટીલ ઉદ્યોગના વર્તુળો યુરોપની આ દરખાસ્તને ભારત સામે વધુ એક પડકાર તરીકે જોઈ રહ્યા છે.
અમેરિકાના સૂચિત ટેરિફની પણ ભારતના સ્ટીલ ઉત્પાદકો પર ખાસ અસર નહીં થાય કારણ કે અમેરિકામાં ભારતની સ્ટીલ નિકાસ એકદમ સામાન્ય છે. અમેરિકામાં ચીનની સ્ટીલ નિકાસ પણ સામાન્ય હોવાથી ચીન ખાતેથી ભારતમાં સ્ટીલની નિકાસ વધવાની શકયતા નહીં હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.