– વઢવાણ શિયાણી પોળ રોડ પર
– સદ્દનસીબે જાનહાની ટળી : જાહેરનામુ છતાં શહેરી વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવા માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ શિયાણીપોળ રોડ પર અચાનક ડમ્પરચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં પાર્ક કરેલ ચાર થી પાંચ બાઈક સહિતના વાહનોને અડફેટે લેતા દોડધામ મચી જવા પામી હતી જોકે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતા દુર્ધટના ટળી હતી જે મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણના ટ્રાફિકથી ધમધમતા એવા શિયાણીપોળ રોડ પર જઈ રહેલ ડમ્પરના ચાલકે કોળીપરાના નાકે અચાનક કોઈ કારણોસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ત્યાં રોડ પર પાર્ક કરેલ ચાર થી પાંચ બાઈક સહિતના વાહનોને અડફેટે લેતા દોડધામ મચી જવા પામી હતી જ્યારે વાહનોને અડફેટે લીધા બાદ ડમ્પર ફુટપાથ પર ચડી જતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતા દુર્ધટના ટળી હતી જ્યારે ચાર થી પાંચ બાઈકને નુકશાન પહોંચ્યું હતું જે બનાવને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા જે મામલે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી અને ડમ્પરચાલકને ઝડપી પુછપરછ સહિત કાર્યવાહી આરંભી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રનું જાહેરનામું હોવા છતાં નિયમોનું ઉલંધ્ધન કરી સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં બેફામ પુરઝડપે ડમ્પરો પસાર થાય છે અને અવાર-નવાર અકસ્માતના બનાવો અગાઉ પણ બની ચુક્યા છે તેમજ અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરો સામે કડક કાર્યવાહી હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.