– સ્ટેજ પર સ્ટે.ચેરમેનને દૂર રાખ્યા,પાટીદાર અગ્રણી સીએમની પડખે
– સુસ્ત મેદનીને તાળી પાડવા અપીલ કરવી પડી, બે કેબીનેટ મંત્રી, વજુભાઈની ગેરહાજરીઃ લખેલું શુષ્ક ભાષણ મેયરે વાંચી સંભળાવ્યું
– રીંગરોડ-૨માં જે ખર્ચે રસ્તાનીમરમ્મત થઈ જાય એટલા ખર્ચે કાર્યને બદલે કાર્યક્રમ કરી નાંખ્યો
રાજકોટ: આજે રાજકોટ અને મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ યોજાયા હતા જેમાં રાજકોટમાં આગલી હરોળમાં સોફા પેક થઈ જતા ભાજપના કોર્પોરેટરો નેતાઓ વગેરેને ખુરશી નહીં મળતા તાબડતોબ ખુરશીઓ ઉંચકીને ત્યાં મુકાવવી પડી હતી. કોઈ પાછળ બેસવા માંગતું ન્હોતું, દરેકને આગળ બેસવું હતું આ મુદ્દે દોડધામ થતી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તો બીજી તરફ મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા વચ્ચે એનાઉન્સમેન્ટ કરવા મુદ્દે સ્ટેજ પર રકઝક થઈ હતી.
રાજકોટ રીંગરોડ-૨ ઉપર યોજાયેલા કાર્યક્રમમાં વિશાળ સ્ટેજ ઉભુ કરાયું હતું. સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થા પણ ઘણુ કહી જતી હોય છે, મુખ્યમંત્રીની બાજુની ખુરશીમાં એક તરફ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા હતા અને બીજી તરફ મેયરને સ્થાન અપાયું હતું. જ્યારે સ્થાયી સમિતિના ચેરમેન જયમીન ઠાકરને સીએમ પછી શહેર પ્રમુખ ડો.માધવ દવે સહિત ચાર મહાનુભાવો પછી સ્થાન અપાયું હતું.
કાર્યક્રમના આમંત્રણમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે જેમના નામ છપાયા હતા તે મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને ભાનુબેન બાબરિયા કે જેઓ મંત્રી સાથે રાજકોટના જ ધારાસભ્ય અને કોર્પોરેટર પણ છે તે તથા બન્ને સંસદસભ્યોની ગેરહાજરી હતી. જ્યારે પૂર્વ શહેર ભાજપ પ્રમુખો કમલેશ મિરાણી અને મુકેશ દોશી આમંત્રણકાર્ડમાં ન્હોતા પણ મંચ પર સ્થાન અપાયું જ્યારે વજુભાઈ વાળા કે રૂપાણીનું નામ આમંત્રણ કાર્ડમાં જ નામ ન્હોતું અને તેઓ હાજર પણ ન્હોતા રહ્યા.
અગાઉ યુનિવર્સિટીના કાર્યક્રમમાં સ્ટેજ નહીં મળતા રિસાઈને કાર્યક્રમ છોડી જનાર મેયર નયનાબેન પેઢડીયાને આ વખતે મુખ્યમંત્રીની બાજુમાં સ્થાન અપાયું હતું. તેમણે લખેલું નિરસ ભાષણ વાંચી સંભળાવ્યું હતું પણ પ્રજાના પ્રશ્ને કોઈ હૈયાધારણા આપી ન્હોતી.
કાર્યક્રમમાં ઉદાસીનતા પારખીને મુખ્યમંત્રીએ ટૂંકા પ્રવચનના આરંભે જ કોઈ તાળી કેમ પાડતું નથી તેમ પુછવું પડયું હતું.
આ કાર્યક્રમ જ્યાં યોજાયો તે રીંગરોડ પર અગાઉ ચોમાસા બાદ લાંબા સમય સુધી લોકો રૂડા-મનપાના વાંકે જર્જરિત રોડ, ખાડા-ગાબડાંથી પરેશાન થયા છે. જે ખર્ચમાં રિપેરીંગનું કાર્ય કરવામાં ઉપેક્ષા સેવનાર તંત્રએ આજે એક કાર્યક્રમ માટે પચાસેક લાખનું આંધણ કરી નાંખ્યું હતું.
– નેતાઓ આવે ત્યારે જ સફાઈ કરો છો, રાજકોટ-મોરબીમાં મુખ્યમંત્રીની ટકોર
– રાજકોટમાં ૫૬૫ કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણો
– શહેરોને સ્વચ્છ બનાવવા નિયમિત સફાઈ કરવા તંત્રને તાકીદ પાણી માટે આગોતરું આયોજન કરવા પણ કહ્યું
રાજકોટ: રાજકોટમાં રીંગરોડ-૨ ઉપર યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં તથા મોરબીમાં યોજાયેલા કાર્યક્રમમાં બન્ને સ્થળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હજુરિયા તંત્ર દ્વારા નેતાઓ આવે ત્યારે જ સફાઈ,સુશોભન કરાતું હોવા મુદ્દે એમ કહીને ટકોર કરી હતી કે નેતા આવે ત્યારે સફાઈ થાય તેવું નહીં કરતા, સફાઈ રેગ્યુલર થવી જોઈએ તો જ શહેરો સ્વચ્છ બનશે.
મહાપાલિકા દ્વારા નિર્મિત મવડી ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, નવી સિટી બસો સહિત રૂ।.૫૮ કરોડના લોકાર્પણો અને મનપા-રૂડા દ્વારા કાલાવડ-રીંગરોડ પર સૌરાષ્ટ્રનો પ્રથમ આઈકોનિક બ્રિજ સહિત આ વિસ્તારમાં કૂલ ૯ બ્રિજના તેમજ રીંગરોડ ડેવલપમેન્ટ, ડ્રેનેજ સહિતના ૩૩૨ કરોડના કામોના ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે થયા હતા.મોરબીમાં ૧૮૭ કરોડના ખાતમુહુર્ત સાથે તેમણે સિરામીક ઈન્ડસ્ટ્રીઝને શહેરની ઓળખ ગણાવી હતી
સૌરાષ્ટ્રમાં બ્રાન્ચ કેનાલથી નર્મદાનીર એપ્રિલ-મે માસમાં બંધ થાય તેવા સરકારી તંત્ર દ્વારા કટાણે શટડાઉનથી જળસંકટની ચિંતા સર્જાઈ છે. આ બાબતે મુખ્યમંત્રીએ રાજકોટના લોકોને નિયમિત પાણી મળતું રહેવા ખાત્રી આપીને બન્ને સ્થળે પાણીના આગોતરા આયોજન માટે મંચ પરથી તંત્રને સૂચના આપી હતી. રાજકોટમાં વિચરતી-વિમુક્ત જાતિના ૫૪૫ લાભાર્થીઓને જમીનના પ્લોટની સનદનું વિતરણ કરાયું હતું, ૧૮૩ આવાસોના લાભાર્થીઓનો ડ્રો યોજાયો હતો.