હિમાચલમાં હજુ પણ બહુપતિ પ્રથા અમલમાં
સંપત્તિમાં ભાગલા પડતા અટકાવવા અને સંયુક્ત પરિવારને જાળવી રાખવા આવા લગ્ન થાય છે
શિમલા: હિમાચલ પ્રદેશના એક લગ્નની ભારે ચર્ચા થઇ રહી છે. અહીંયા બે સગા ભાઇએ એક જ યુવતી સાથે લગ્ન કર્યા હતા, હિમાચલમાં બહુપતિ પ્રથા વર્ષો જુની છે. વળી આ લગ્ન પરિવાર અને ગામના તમામ લોકોની હાજરીમાં યોજાયા હતા.
હિમાચલ પ્રદેશના હાટી સમાજમાં આ લગ્ન પ્રથાને ઉજલા પક્ષ તરીકે ઓળખવામાં આવે છે, બન્ને ભાઇ શિક્ષિત છે અને નોકરી કરી રહ્યા છે. એક ભાઇ હિમાચલના જળ શક્તિ વિભાગમાં તૈનાત છે. જ્યારે બીજો ભાઇ વિદેશમાં નોકરી કરે છે. આ બહુપતિ પ્રથાનો મુખ્ય ઉદ્દેશ્ય સંપત્તિના ભાગલા પડતા બચાવવાનો અને સંયુક્ત પરિવારને પ્રોત્સાહન આપવાનો છે. ખાસ વાત એ છે કે હિમાચલ પ્રદેશમાં આ પ્રથાને કાયદેસર માનવામાં આવે છે. આ અનોખા લગ્ન હિમાચલના સિરમૌર જિલ્લામાં સામે આવ્યા હતા. સુનિતા ચૌહાણના લગ્ન પ્રદીપ અને કપીલ નેગી નામના બન્ને ભાઇઓ સાથે નક્કી થયા હતા, ત્રણ દિવસ સુધી ધામધુમથી લગ્ન સમારોહ યોજાયો હતો. સુનિતાએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે મે કોઇ પણ દબાણ વગર આ નિર્ણય લીધો છે. જ્યારે પ્રદીપે કહ્યું હતું કે અમે આ પરંપરા જાહેરમાં અપનાવીએ છીએ અને તેને લઇને અમને ગૌરવ છે.