Surat : સુરત શહેરના અનેક વિસ્તારમાં દબાણની સમસ્યા માઝા મુકી રહી છે. પાલિકાના રાંદેર ઝોનમાં વણકલા-જહાંગીરપુરા વિસ્તારમાં જાહેર રસ્તામાં દબાણના કારણે લોકો ત્રાહિમામ થઈ રહ્યાં છે. વણકલા સુડા સંસ્કૃતિ રેસીડન્સીના રહીશો પાલિકા કચેરી આવ્યા હતા. પાલિકા-પોલીસ દબાણ નહીં હટાવે તો પાલિકા કચેરી ખાતે ઉપવાસ કરવાની ચીમકી આપી છે. પાલિકા અને પોલીસમાં દબાણ હટાવતી ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. પોલીસને રજૂઆત કરી તો પોલીસ ગરીબ લોકો છે તેને ધંધો કરવા દો તેવી વાત કરે છે જેના કારણે લોકો હવે કંટાળી ગયા છે અને આંદોલનની ચીમકી આપી રહ્યાં છે.
સુરત શહેરના મોટા ભાગના વિસ્તારમાં દબાણ થઈ રહ્યાં છે અને પાલિકા તંત્ર આ દબાણ હટાવવામાં નિષ્ફળ જ રહી છે અને નવા વિસ્તારમાં નવા દબાણ થઈ રહ્યાં છે તેના કારણે આસપાસના રહેણાક વિસ્તારની હાલત કફોડી થઈ રહી છે. પાલિકા અને પોલીસ તંત્ર દબાણ દુર કરતી ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. ગેરકાયદે દબાણથી ત્રસ્ત થયેલા પાલિકાના રાંદેર ઝોનના જહાંગીરપુરા વણકલાના સુડા સંસ્કૃતિ રેસીડન્સીના રહીશો પાલિકા કચેરી આવ્યા હતા.
સુડા સંસ્કૃતિમાં 24 બિલ્ડીંગ છે અને બિલ્ડીંગની બહાર છેલ્લા ઘણાં સમયથી લારી ગલ્લાના દબાણ છે પાલિકા અને પોલીસમાં અનેક વખત રજુઆત કરી છે પરંતુ દબાણ દુર થતા નથી. તેથી આજે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપી પોતાને પડતી મુશ્કેલી વર્ણવવા આવ્યા હતા. આવેદનપત્ર આપનારા રહીશોએ કહ્યું હતું કે, સુડા સંસ્કૃતિ રેસીડેન્સીની અંદર બિલ્ડીંગની નીચે રાખેલ લારી તથા બહાર ગેટ પર દબાણ છે તેના કારણે રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાલિકા અને પોલીસમાં અનેક વખત રજુઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા દબાણ દુર કરવામાં આવ્યા નથી. પોલીસમાં રજુઆત કરી તો પોલીસે કહ્યું ગરીબ લોકો છે તેઓને ધંધો કરવા દો. પરંતુ આ દબાણને કારણે લોકોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. સ્થાનિકો દબાણ કરનારાઓને કહેવા જાય છે તો હુમલો કરવા સાથે ગંદી ગાળો આપી રહ્યાં છે મહિલાઓની છેડતી થતી હોવાથી મહિલાઓની સલામતી સામે પ્રશ્નો ઉભા થયા છે. આ ઉપરાંત રાત્રીના સમયે અસમાજિક તત્વોનો અડ્ડો થઈ જાય છે અને દારુ અને ગાંજા જેવી વસ્તુઓ પણ વેચાઈ રહી છે.
સોસાયટીની બહાર પાલિકાનો રોડ છે તેના પર ગેરકાયદે મંડપ બનાવીને પણ દબાણ કરવામાં આવી રહ્યાં છે. આ દબાણને કારણે સોસાયટીના લોકોની હાલત કફોડી થઈ રહી છે. પાલિકા અને પોલીસમાં રજુઆત કરી છે છતાં દબાણ દુર થતા નથી અને લોકોની મુશ્કેલી વધી રહી છે જો પાલિકા દબાણ દૂર ન કરે તો 24 બિલ્ડિંગમાં રહેતા લોકો ભેગા મળીને મ્યુનિ. કચેરી આવીને ઉપવાસ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.