– ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાપાલિકાની કાર્યવાહી
– ખાદ્યપદાર્થના નમૂના મીસબ્રાન્ડ અને સબસ્ટાન્ડર્ડ આવતા એડજ્યુડીકેટીંગ કોર્ટના આદેશ મુજબ આસામીઓ પાસેથી દંડની વસૂલાત
ભાવનગર : ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવતા હોય છે અને આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. લેબોરેટરીની તપાસમાં જે ખાદ્યપદાર્થના નમૂના મીસબ્રાન્ડ અને સબસ્ટાન્ડર્ડ આવ્યા તે કેસ એડજ્યુડીકેટીંગ કોર્ટમાં પાંચ વર્ષ દરમિયાન ચાલી જતા કોર્ટના આદેશ મુજબ આસામીઓ પાસેથી દંડ વસુલાયો હતો.
ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે તપાસ હાથ ધરવામાં આવતી હોય છે અને ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખાદ્યપદાર્થના નમૂના મીસબ્રાન્ડ અને સબસ્ટાન્ડર્ડ આવ્યા હતા તેથી આસામીઓ એડજ્યુડીકેટીંગ કોર્ટમાં ગયા હતાં. આ કેસ પાંચ વર્ષ દરમિયાન કોર્ટમાં ચાલી જતા અધિકારીના આદેશ મુજબ ૩૬ આસામી પાસેથી મહાપાલિકાના ફૂડ વિભાગે કુલ રૂા. રર,ર૮,૦૦૦ નો દંડ વસુલ્યો હતો તેમ માહિતી આપતા મહાપાલિકાના ફૂડ વિભાગના અધિકારીએ જણાવેલ છે.
મહાપાલિકાની કાર્યવાહીના પગલે ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરતા આસામીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે મહાપાલિકાના ફૂડ વિભાગે હજુ કડક કાર્યવાહી કરવી જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરતા આસામી સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે : અધિકારી
ભાવનગર શહેરમાં ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવતી હોય છે અને ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરતા આસામીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હજુ આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાપાલિકાના ડેઝીગ્રેટેડ ઓફિસર ડો. સિન્હાએ જણાવેલ છે.