Jagdeep Dhankhar Resignation: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) અને ભાજપના નેતાઓના મૌન અંગે શંકા વ્યક્ત કરતાં કહ્યું છે કે, તેમનું મૌન સ્પષ્ટપણે દર્શાવે છે કે પડદા પાછળ કંઈક મોટી રાજકીય ઘટનાઓ ચાલી રહી છે.
પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, ‘દેશના ઉપરાષ્ટ્રપતિએ સ્વાસ્થ્યનું કારણ આપી રાજીનામું આપ્યું છે, પરંતુ વડાપ્રધાન કાર્યાલય અને ભાજપ સાથે સંકળાયેલા લોકોએ હજુ સુધી તેમની તબિયત મુદ્દે કોઈ નિવેદન આપ્યુ નથી. તેમનું આ મૌન સૂચવે છે કે પડદા પાછળ કોઈ મોટી રમત ચાલી રહી છે અને ભાજપ ભારે તણાવમાં છે.’
વિપક્ષે આશંકા વ્યક્ત કરી
માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને તૃણમુલ કોંગ્રેસ જેવા વિપક્ષોએ પણ ધનખડના રાજીનામા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. ઘણા નેતાઓએ તેમના રાજીનામા પાછળનું કારણ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદને અચાનક છોડી દેવું એ સામાન્ય બાબત ન હોઈ શકે.
આ પણ વાંચોઃ BIG NEWS: જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા
નડ્ડાએ આપી સ્પષ્ટતા
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ગઈકાલે ધનખડ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સદનના નેતા જેપી નડ્ડા અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુની ગેરહાજરી પર સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્પષ્ટતા આપી હતી કે, કિરેન રિજિજુ અને હું ઉપરાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવેલી 4.30 વાગ્યાની બેઠકમાં ભાગ લઈ શક્યા નહીં, કારણકે, અમે અન્ય મહત્ત્વપૂર્ણ સંસદીય કાર્યોમાં વ્યસ્ત હતા. આ અંગે અમે માનનીય ઉપરાષ્ટ્રપતિની ઑફિસમાં સૂચના આપી હતી. તદુપરાંત મેં રાજ્યસભામાં જે વાત કરી હતી, જે હું બોલી રહ્યો છું, તે જ ઑન-રૅકોર્ડ હશે. આ વાત વિપક્ષના રોક-ટોક કરતાં સાંસદો માટે હતી, સભાપતિ માટે નહીં.
વડાપ્રધાને શુમકામના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર એક્સ પર પોસ્ટ કરી તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. તેમણે કહ્યું કે, જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અન્ય ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની અનેક તક મળી હતી. તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે હું પ્રાર્થના કરું છું.