ગાંધીનગર નજીક આવેલા રાયપુરમાં
ફોન કરીને જમીન ઉપર બંગલાની સ્કીમનું બાંધકામ બંધ કરી દેવા માટે પણ ધમકી આપી ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા રાયપુર ગામમાં રહેતા બિલ્ડરને
જમીનમાં બંગલાનું બાંધકામ બંધ કરી દેવા ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી અને જો તે
કામ બંધ નહીં કરે તો પુત્રને જાનથી મારી નાખી તેના ટુકડા કરવાની પણ ધમકી આપવામાં
આવી હતી. જેના પગલે આ શખ્સ સામે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધિત તકરારો વધી રહી છે ત્યારે
શહેર નજીક આવેલા રાયપુરમાં રહેતા બિલ્ડરને ફોન ઉપર ધમકી આપવામાં આવી હોવાની ઘટના
બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાયપુર ગામમાં
રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા પંકજભાઈ કેશાભાઈ પટેલ દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે, તેમના
પરિવારે ૨૦૨૦માં રાયપુર ગામની સીમમાં જૂના સર્વે નંબર ૩૪૧ નવો સર્વે નંબર ૫૬૪ વાળી
આશરે અઢી વીઘા જમીન ભરતભાઈ મનુભાઈ પટેલ પાસેથી વેચાણ રાખી હતી.
હાલમાં,
આ જમીન પર શિવાલય બંગ્લોઝ નામની મકાન બનાવવાની સ્કીમ ચાલી રહી છે. ત્યારે ગત
શુક્રવારે પંકજભાઈને તેમના મોબાઈલ ઉપર વિનોદભાઈ દેસાઈનો ફોન આવ્યો હતો અને
જણાવ્યું હતું કે, તે
જમીનના કાગળો તેમની પાસે છે અને તેણે ગાળો ભાંડવાનું શરૃ કરી, બંગલાની સ્કીમનું
કામ બંધ કરાવવાની અને જમીન પર કબજો લઈ લેવાની ધમકી આપી હતી.
એટલું જ નહીં રવિવારે વિનોદભાઈના ફોન ઉપર ફોન કરીને વિનોદએ
ફરીથી ધમકીઓ આપવાનું શરૃ કર્યું હતું અને ગાળા ગાળી કરી હતી જેના પગલે તેમણે આ
નંબર બ્લોક કરી દીધો હતો.
આ દરમિયાન તેમના બીજા નંબર ઉપર ફોન આવ્યો હતો અને સામેવાળી
વ્યક્તિએ જય દેસાઈ નામથી વાત કરી હતી અને કહ્યું હતું કે જમીન ખાલી નહીં કરે તો
તેમને અને તેમના પુત્રને જાનથી મારી નાખશે અને ટુકડા કરીને નર્મદામાં ફેંકી દેશે.
જેના પગલે તેમણે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે
વિનોદ દેસાઈ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.