– 60 લાખથી વધુ કિંમતની મૂર્તિઓ વેચાવાનો અંદાજ
– 4 દિવસથી મૂર્તિઓનું ધૂમ વેચાણ : રૂા. 251 થી માંડીને 12 હજાર સુધીની મૂર્તિઓ બજારમાં ઉપલબ્ધ
આણંદ : આણંદ જિલ્લામાં અષાઢ વદ અમાસ એટલે દિવાસો તા. ૨૪મીને ગુરૂવારથી દશામાના વ્રતનો પ્રારંભ થશે. તા. ૨૫મીને શુક્રવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં ૧૫ હજાર જેટલી ૬૦ લાખથી વધુ કિંમતની દશામાની મૂર્તિઓ વેચાવાનો અંદાજ છે. આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ૧૦ દિવસ સુધી દશામાનું વ્રત ઉપવાસ કરીને ભક્તો ઉજવણી કરતા હોય છે. ત્યારે વ્રતને ગણતરીના દિવસો બાકી હોવાથી દશામાની મૂર્તિનું જિલ્લામાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી દશામાંના વ્રતનો મહિમા જિલ્લામાં વધતો જાય છે. મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં જાગરણ કરીને તથા દિવસ દરમ્યાન પૂજા-અર્ચના અને આરતી કરીને ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. ૧૦ દિવસ બાદ મૂર્તિનું શ્રધ્ધાપૂર્વક પાણીમાં વિસર્જન કરી વ્રતનું સમાપન કરાય છે.
આણંદ શહેર સહિત તાલુકા મથકોએ દશામાની નાની- મોટી મૂર્તિઓનું મોટી સંખ્યામાં હાલ વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, દશામાની મૂતઓની કિંમત રૂપિયા ૨૫૧થી ૧૨૦૦૦ સુધી ચાલુ વર્ષે જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી જિલ્લાભરના બજારોમાં દશામાની મૂતના વેચાણમાં વધારો થયો છે.
કારીગરોએ જણાવ્યું હતું કે, તમામ પીઓપીની મૂતઓ રાજસ્થાનથી આવતી હોવાથી એડવાન્સ ઓર્ડર અપાય છે. મૂર્તિ આવ્યા બાદ તેને કલરકામ તથા આકર્ષક વત્રો પહેરાવવામાં આવ્યા બાદ મૂર્તિ સંપૂર્ણ તૈયાર થાય છે.
દશામાનું વ્રત માનતા પ્રમાણે ભક્તો પાંચ વર્ષ સુધી કરતા હોય છે. મૂર્તિ વિસર્જન મહીસાગર કે સ્થાનિક તળાવમાં વિધિપૂર્વક કરાશે.